અમદાવાદ: સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સલામત રોકાણ ગણાતા સોનાનો ભાવ શુક્રવારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. અમદાવાદમાં શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ 1.42 લાખ થયો હતો. વર્ષ 2025ની શરૂઆતમાં સોનાનો ભાવ આશરે 79,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. આ એક વર્ષના ગાળામાં જ સોનાના ભાવમાં 80 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની સતત માંગ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે સ્થાનિક ભાવમાં આ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.
આ વર્ષે ચાંદીએ સોના કરતા પણ નોંધપાત્ર રીતે વધુ સારું પ્રદર્શન કર્યું છે. અમદાવાદમાં ચાંદીનો ભાવ કિલો દીઠ આશરે રૂ. 2.33 લાખ બોલાયો હતો, જે 1 જાન્યુઆરીના રોજ આશરે રૂ. 86,500 ના ભાવથી વર્ષ દરમિયાન લગભગ 169 ટકાનો વધારો દર્શાવે છે. રોકાણકારોનો રસ અને મજબૂત ઔદ્યોગિક માંગના મિશ્રણને કારણે આ ઉછાળો આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે, પ્રોફિટ બુકિંગ વચ્ચે પણ ડિસેમ્બરમાં ભાવ મજબૂત રહ્યા હતા. ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ, ભૌગોલિક રાજકીય તણાવ અને સેન્ટ્રલ બેંકો દ્વારા સતત કરવામાં આવતી ખરીદીએ બજારના સેન્ટિમેન્ટને ટેકો આપવાનું ચાલુ રાખ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, નજીકના ગાળામાં કિંમતી ધાતુઓના ભાવમાં વધ-ઘટ રહેશે પરંતુ મજબૂતી જળવાઈ રહેશે.
સોના-ચાંદીના ભાવમાં ઉછાળાના કારણો
1. સુરક્ષિત રોકાણની માંગ: વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો બોન્ડ અને કરન્સી છોડીને કિંમતી ધાતુઓ તરફ વળી રહ્યા છે.
2. ઔદ્યોગિક માંગમાં ઉછાળો: AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), સોલર, EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) અને ક્લીન એનર્જી સેક્ટરમાં ચાંદીનો વપરાશ ઝડપથી વધ્યો છે.
3. સપ્લાયની અછત: સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના અંદાજ મુજબ, ચાંદીનો પુરવઠો સતત પાંચમા વર્ષે ખાધમાં છે.
4. ETF અને ફિઝિકલ ખરીદી: ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) માં રોકાણ અને ભૌતિક ખરીદીને કારણે કિંમતોને ટેકો મળ્યો છે.