દાહોદઃ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગુજરાતના દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મધ્ય પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસને પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક પ્રવાસીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.
ક્યાં બની ઘટના
આ ઘટના દાહોદ જિલ્લાના જાલત વિસ્તારમાં બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુડબ, પાછળથી આવેલા ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અસંતુલિત થઈને પલટી ગઈ અને મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ.
સ્થાનિક લોકોએ મદદ કરી અકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. બસ પલટી ગયા બાદ અનેક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકો અને રાહદારીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોટાભાગના ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર
ઘટનાની જાણ થતા જ 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મોટાભાગના ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે. બીજી તરફ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલક વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો.