મુંબઈઃ મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) શરૂ થવાને માંડ 10 દિવસ બાકી છે ત્યારે બે જાણીતી વિદેશી ખેલાડીઓ અંગત કારણસર આ ટૂર્નામેન્ટમાંથી હટી ગઈ છે. આ બાદબાકી બન્ને ટીમ માટે મોટા નુકસાન સમાન છે.
રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર એલિસ પેરી (ELLYSE PERRY) અને ઑસ્ટ્રેલિયાની જ ઑલરાઉન્ડર ઍનાબેલ સદરલૅન્ડ (Annabel Sutherland) દિલ્હી કૅપિટલ્સ (DC) ટીમમાં છે અને એલિસ પેરીની જેમ તેણે પણ ડબ્લ્યૂપીએલની આગામી સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે.
આરસીબીએ એલિસ પેરીની જગ્યાએ સયાલી સતઘરેને સ્ક્વૉડમાં સમાવી છે. પેરી આરસીબી વતી ડબ્લ્યૂપીએલમાં સૌથી વધુ 972 રન બનાવી ચૂકી છે. સયાલીને આ ફ્રૅન્ચાઇઝી 2026ની સીઝન રમવાના 30 લાખ રૂપિયા આપશે.
ડીસીએ સદરલૅન્ડના સ્થાને ઑસ્ટ્રેલિયાની જ ઑલરાઉન્ડર અલાના કિંગને રમવા બોલાવી છે. અલાના કિંગના માતા-પિતા મૂળ ચેન્નઈના છે. અલાનાને ડીસીનું ફ્રૅન્ચાઇઝી આ સીઝન રમવાના 60 લાખ રૂપિયા આપશે.