Mon Dec 08 2025

Logo

White Logo

એમએમઆરમાં વાયુ પ્રદૂષણ : એમએમઆરમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ૧૯ આરએમસી પ્લાન્ટ બંધ

4 days ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે ૧૯ રેડીમિક્સ કૉંક્રીટ પ્લાન્ટ (આરએમસી)  બંધ કરવામાં આવ્યા હોવાનું મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે જણાવ્યું હતું. એ સાથે જ વાયુ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવાના ઉદ્યોગો સામે આકરા પગલાં લેવાની ચીમકી પણ બોર્ડે આપી છે.

મુંબઈ મહાનગર વિસ્તારમાં મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૩૨ ઠેકાણે ક્ન્ટીન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન (સીએએક્યુએમએસ) ચાલુ કરવામાં આવ્યા છે, તેમાંથી ૧૪ સ્ટેશન મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યરત છે. તો બાકીના થાણે, કલ્યાણ, નવી મુંબઈ, પનવેલ વગેરેમાં કાર્યરત છે. આ મોનિટરિંગ સ્ટેશન મારફત વાતાવરણમાં રહેલી હવાની ગુણવત્તા (રીઅલ ટાઈમ એક્યુઆઈ) તપાસવામાં આવે છે અને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવે છે.

એ સિવાય સતત હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવા માટે બોર્ડ દ્વારા ૨૨ મોબાઈલ મોનિટરિંગ વેન પણ કાર્યરત છે, જેના દ્વારા  આખા રાજ્યમાં  આવશ્યકતા મુજબ હવાની ગુણવત્તા તપાસમાં આવે છે.  આ વેનનો ઉપયોગ હવા પ્રદૂષણના હોટ સ્પોટ હોય તેમ જ આરએમસી પ્લાન્ટ અને ક્ધસ્ટ્રકશન સાઈટ પર હવાનું પ્રદૂષણ તપાસવા માટે કરવામાં આવે છે.

પોલ્યુશન બોર્ડે ઓક્ટોબર ૨૦૨૫માં રાજ્યના આરએમસી પ્લાન્ટ ઉદ્યોગ માટે સુધારિત માર્ગદર્શક સૂચના બહાર પાડી તેનો અમલ કરવાની સૂચના આપી હતી. સર્વેક્ષણ દરમ્યાન ગોવંડી, દેવનારમાં ચાર આરએમસી ઉદ્યોગના કારખાના બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ત્રણ યુનિટે પાંચ-પાંચ લાખની બેન્ક ગેરેન્ટી જપ્ત કરવામાં આવી હતી. એ સાથે જ સર્વેક્ષણમાં થાણેમાં આઠ, નવી મુંબઈમાં છ તો કલ્યાણમાં એક આરએમસી પ્લાન્ટે પોલ્યુશન બોર્ડના નિર્દેશનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેને પણ બંધ કરવામાં આવ્યા છે. એમ કુલ ૧૯ આરએમસી પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે.