Mon Jan 05 2026

Logo

White Logo

અંબાજીના પડલિયામાં હિંસા: પોલીસ ઇન્સ્પેક્ટરને તીર વાગ્યું, : 1000ના ટોળા સામે ગુનો નોંધાયો

3 weeks ago
Author: mumbai samachar teem
Video

અંબાજીઃ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પાસે આવેલા પડલિયા ગામમાં વન વિભાગની જમીનને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ અચાનક હિંસામાં ફેરવાઈ ગયો હતો. ગબ્બર રોડ નજીક વન વિભાગ દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. આ વિરોધ જોતજોતામાં એટલો હિંસક બન્યો હતો કે ટોળાએ વન વિભાગ અને પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. 

હિંસાની જાણ થતા જ અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. હિલ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા સ્થાનિકોએ પોલીસ પર પણ હુમલો શરૂ કર્યો હતો. આ હુમલામાં સ્થાનિકોએ પરંપરાગત હથિયારો જેવા કે તીર-કામઠાંનો ઉપયોગ કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલને કાનના ભાગે તીર વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયા હતા. તેમની હાલત નાજુક જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં અન્ય 47 પોલીસ કર્મચારીઓ અને વન વિભાગના અધિકારીઓને પણ પથ્થરમારામાં ઈજાઓ પહોંચી હતી.

પચાસથી વધુ રાઉન્ડ ફાયરિંગ

પ્રાપ્ત માહિતી અનુસાર પડલિયા ગામના આશરે 1000થી વધુ લોકોના ટોળાએ વન વિભાગના વાહનોને નિશાન બનાવ્યા હતા. હિંસક બનેલા ટોળાએ વન વિભાગના વાહનોમાં આગ લગાડી  હતી અને સરકારી વાહનોના ટાયરો કાપી નાખીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. ભીડને વિખેરવા માટે પોલીસે આશરે 20 જેટલા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ઉપરાંત, પચાસથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક ધારાસભ્યએ મુલાકાત લઈ યોગ્ય સારવારની ખાતરી આપી છે.

એસઆરપીની ટુકડી તહેનાત, વિસ્તારમાં શાંતિ

ગઈકાલની હિંસક ઘટના બાદ આજે સમગ્ર પડલિયા ગામ અને ગબ્બર વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર પર થયેલા જીવલેણ હુમલા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અંબાજીમાં ઉતારી દેવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી પ્રમાણે, હુમલાખોરોની ઓળખ શરૂ કરી છે અને રાત્રિ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. હાલમાં વિસ્તારમાં શાંતિ છે, પરંતુ તણાવપૂર્ણ સ્થિતિને જોતા રાજ્ય અનામત પોલીસ (SRP)ની ટુકડીઓ પણ તૈનાત રાખવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અંબાજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલ પોલીસ જવાનોના ખબરઅંતર પૂછ્યા હતા. કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હુમલો અચાનક થયેલો નહીં, પણ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું જણાય છે, કારણ કે ટોળા પાસે મોટી સંખ્યામાં તીર અને પથ્થરો તૈયાર હતા. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ હિંસામાં સામેલ તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.