અમદાવાદઃ સીમા સુરક્ષા દળના અધિક મહાનિર્દેશક શમશેર સિંઘને તેમની મૂળ કેડરમાં સમયપૂર્વે પરત મોકલવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. 1991ની બેચના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફર્યા હતા. જે બાદ તેમની રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂકમી અટકળો વહેતી થઈ હતી.
શું છે રસપ્રદ કારણ
ડેપ્યુટેશન પરથી પરત આવેલા શમશેર સિંઘ સિનિયર આઈપીએસ હોવા છતાં રાજ્યના પોલીસ વડા તરીકે નિયુક્તિ થઈ શકે તેમ નથી. આ પાછળનું રસપ્રદ કારણ તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થાય છે. રાજ્યના પોલીસ વડા તરીકે કોઈપણ આઈપીએસને ઓછામાં ઓછા 6 મહિનાનો સમય મળવો જોઈએ તેવી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે.
આઈપીએસ કેડરમાં પ્રથમ વખત બની આ ઘટના
સમાન્ય રીતે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર 5 વર્ષનો કાર્યકાળ હોય છે પરંતુ જાન્યુઆરી 2025થી બીએસએફમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે રહેલા શમશેર સિંઘને પ્રિમેચ્યોર રિપેટ્રિએશન મળ્યું છે. આવું આઈપીએસ કેડરમાં પ્રથમ વખત બન્યું છે.
મૂળ હરિયાણાના છે વતની
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના વતની છે. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું હતું. તેઓ વર્ષ 1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા.