અમદાવાદ: કેન્દ્રીય ગૃહ તથા સહકાર પ્રધાન અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પોતાના એક દિવસના પ્રવાસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદ ખાતે વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથોસાથ અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આવો, જાણીએ આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ક્યાં ક્યાં હાજર રહેવાના છે.
નવા વણઝર ગામમાં 308 ઘરોને અપાશે સનદ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાલ IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા શેલા ખાતે આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ(IMA NATCON-2025)માં પહોંચી ચૂક્યા છે. આ કોન્ફરન્સ બાદ સવારે 11:30 વાગ્યે તેઓ એશિયામાં સૌપ્રથમ વખત માઈક્રો ટનલિંગ પદ્ધતિથી નિર્માણ પામેલી 2400- 2500 મીમી વ્યાસની વેસ્ટર્ન ટ્રંક લાઈનનું લોકાર્પણ કરવાના છે. આ ટ્રંક લાઈન સરદાર પટેલ રિંગ રોડ પર વૈષ્ણોદેવીથી ઓગણજ, શીલજ, આંબલી, એપલવુડ, શાંતિપુરા થઈને સનાથલ થઈને સાબરમતી નદી સુધી વિસ્તરેલી છે.
ટ્રંક લાઈનના લોકાર્પણ બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સવારે 11:45 વાગ્યે નવા વણઝર ગામે પહોંચશે. જ્યાં તેઓ પૂર બાદ પુનર્વસાવટ કરાયેલા 308 ઘરોને સનદ અર્પણ કરશે. જેનાથી નવા વણઝર ગામના લોકોની મિલકત ન વેચી શકવાની સમસ્યાનો અંત આવશે. નવા વણઝર ગામમાં સનદ અર્પણ કર્યા બાદ બપોરે 12:45 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પકવાન સર્કેલ પાસેથી આઇકોનિક SG હાઇવેના પ્રથમ તબક્કાના પાયલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ બપોરે 1:00 વાગ્યે તેઓ SG હાઇવે પર આવેલા ગુરુદ્વારા મંદિરના દર્શેને જશે.
'નમોત્સ્વ'માં કરશે PM મોદીના જીવનદર્શનની ઝાંખી
આજે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજના યુવા બિઝનેસ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું બપોરે 3:45 વાગ્યે ઉદ્ધાટન થવાનું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આ મહાસંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
આ ઉપરાંત ગોધાવી ખાતે આવેલા સંસ્કાર ધામ ખાતે આજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત 'નમોત્સવ' નામના ત્રણ દિવસનો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને લેખક સાંઈરામ દવેની કલમ 'નમોત્સવ' નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ લખવામાં આવ્યો છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 150થી વધુ કલાકારો સાથે PM મોદીના જીવનદર્શનને રજૂ કરશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંજે 5:45 વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજરી આપશે.