વૃંદાવન: પ્રેમાનંદ મહારાજ એક જાણીતું વ્યક્તિત્વ છે. જેઓ વૃંદાવનમાં રહે છે. વૃંદાવન જનારા શ્રદ્ધાળુઓ અચૂક તેમના દર્શન કરે છે. ઘણી જાણીતી હસ્તીઓ પણ અવારનવાર તેમના દર્શન માટે જતી હોય છે. આ હસ્તીમાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચી જાય છે, જ્યારે આઈપીએલના ઓક્શન વચ્ચે બંને ફરી મહારાજના દર્શનાર્થે પહોંચ્યા છે.
ભગવાનને પામવાની ઇચ્છા રાખો
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પ્રેમાનંદ મહારાજને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. પ્રેમાનંદ મહારાજની મુલાકાત દરમિયાન તેમની સાદગી અને વિનમ્રતા જોવા મળી હતી. તેઓ પ્રેમાનંદ મહારાજ સામે હાથ જોડીને બેઠા હતા.
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, "પોતાના કાર્યક્ષેત્રને ભગવાનની સેવા સમજો. ગંભીર ભાવથી રહો, વિનમ્ર રહો અને ખૂબ નામ જપ કરો. જે તમારા વાસ્તવિક પિતા છે, જેણે તમને બનાવ્યા છે, તેને એકવાર જુઓ, તેને મળવાની લાલચ હોવી જોઈએ.
તેઓ બહુ સુંદર છે. એક વાર તો તેમને નિહાળવા જોઈએ. એકવાર એક લક્ષ્ય બનાવી લો કે તેમને મળવું છે. તમે મને તમામ સુખ આપ્યું છે. હવે મારે સુખ નથી જોઈતું. હવે હું ફક્ત તમને પામવા ઇચ્છું છું. જો તમે ઇચ્છશો તો તમામ સુખ તમારા ચરણોમાં આવી જશે.
જીવનમાં શાંતિ અને આધ્યાત્મિક સંતુલનની ઝંખના
વિરાટ કોહલી અને અનુષ્કા અત્યારસુધી ત્રણ વખત વૃદાંવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શને જઈ ચૂક્યા છે. વિરાટ અને અનુષ્કા પોતાના સંતાનોને પણ સાથે લઈ ગયા હતા. જોકે, તેમણે પોતાના સંતાનોના ચહેરા બતાવ્યા નહોતા. અવારનવાર પ્રેમાનંદ મહારાજની મુલાકાતે જઈને વિરાટ અને અનુષ્કા પોતાના જીવનમાં શાંતિ અને આધ્યાત્મિક સંતુલન જાળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બાળકોના જન્મબાદ અનુષ્કા શર્મા ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ છે. જોકે, તેણે એડ્સમાં કામ ચાલુ રાખ્યું છે. તેની છેલ્લી ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ' શૂટ થયા બાદ રિલીઝ થઈ નથી. જ્યારે વિરાટ કોહલીની વાત કરીએ તો તે વન-ડે ક્રિકેટ અને આઈપીએલમાં સક્રિય છે. 24 ડિસેમ્બરે વિજય હજારે ટ્રોફીની શરૂઆત થશે, જેમાં તે દિલ્હીની ટીમ તરફથી વિરાટ કોહલી રમતા નજરે પડશે.