કોઈપણ જાતનાં વીડિયો કે રીલ્સ ન બનાવવાનું પ્રેશર ન હોવાથી જાપાનમાં અમે ઘણાં રિલેક્સ રીતે ફરી રહૃાાં હતાં. છેલ્લાં ઘણાં વર્ષોથી કોન્ટેન્ટ ક્રીએટર અને ઇન્લુઅન્સર ઇન્ડસ્ટ્રીમાં લોકો શાંતિથી ફરવાનું જાણે ભૂલી ગયાં છે. અને ઘણાં એવાં પણ છે કે શાંતિથી ફરવાનું શૂટિગ ઘાઈમાં કરતાં નજરે પડતાં હોય છે.
બુલેટ ટ્રેન હોય કે ક્યોટોનાં ગાર્ડન્સ, દરેક સ્થળે સતત ક્યાંક ટ્રાઇપોડની સાથે તો ક્યાંક સ્ટિક અને જ્યાં અલાઉડ હોય ત્યાં ડ્રોન સાથે સતત રેકોર્ડિંગ ચાલુ જ હોય તેવું લાગતું હતું. જ્યાં પણ જુઓ ત્યાં યંગ પ્રવાસીઓનું ડેસ્પરેશન હવે ફોનનાં સ્ક્રીનની બહાર પણ અનુભવી શકાતું હોય છે. એવામાં અમે એક ચકાચક બુલેટ ટ્રેન લઈને ઓસાકા તરફ આવી પહોંચ્યાં.
કોને ખબર હતી કે ટોક્યો અને ક્યોટોથી ભળતી છતાંય જરા અનોખી દુનિયા ત્યાં અમારી રાહ જોઈ રહી હતી. અમે હવે જાપાનમાં હોટલના ડબલ રૂમ કરતાં ટિ્વન રૂમ વધુ મોટા હોય છે તે પણ ખાતરી કરી ચૂક્યાં હતાં. ઓસાકામાં અમે ખાસ થોડો મોટો રૂમ બુક કરેલો. અમે અહીંથી જ વળતી ફલાઇટ લેવાનાં હતાં અને અહીં અમારે ઘણું શોપિંગ પણ કરવું હતું.
ઓસાકાથી હિમેજી, કોબે, નારા એવી ઘણી શોર્ટ અને લોંગ ટ્રિપ કરવાની હતી. અને સાથે સાથે રોજ રાત્રે પાછાં આવીને સૌના અને ગરમ ટબમાં થાક ઉતારવાનો હતો. અમે જાપાન ટ્રિપના આ ચરણમાં પહોંચતાં સુધી પૂરતાં અનુભવી બની ચૂક્યાં હતાં. એક વાત નક્કી હતી, અહીં કશું બાકીની દુનિયા જેવું ન હતું.
ઓસાકાનું મેઇન સ્ટેશન પણ ફરી ટોક્યોનાં ઘણાં સ્ટેશનોની જેમ પાંચ-છ માળનું હતું. અહીં અમે ધાર્યા કરતાં વધુ સમય વિતાવવાનાં હતાં તે ત્યાં પહોંચતી વખતે ખબર ન હતી. દરેક માળ રેસ્ટોરાં અને સ્ટોર્સથી ખીચોખીચ ભરેલો હતો. એટલું જ નહીં, આસપાસની દરેક ગલી પણ શોપિંગનાં ઓપ્શનોથી ભરેલી હતી.
આજકાલ યુનિક્લોની આખી દુનિયામાં બોલબાલા છે. જાપાન આખુંય પાંચ-છ માળનાં યુનિક્લોથી ભરેલું છે. જાપાનીઝ બ્રાન્ડ્સથી પણ હવે અમે બરાબર પરિચિત થઈને સીધું ક્યાં જવું અને શું લેવું તે સમજી ચૂકેલાં. હવે જ્યારે ફરી જાપાન જઈશું ત્યારે જરા પણ સમય નહીં વેડફીએ એ નક્કી હતું. જાપાનની વાઇબ જ કંઇક અલગ છે.
ઓસાકા સ્ટેશનથી હોટલ સુધી ટેક્સી લીધી, તેમાં ડ્રાઇવર ભારતનો ફેન નીકળ્યો. તે કોઈ સમયે આખું ઇન્ડિયા ફરી ચૂક્યો હોવાની ઉત્સાહથી વાત કરતો હતો. અમે તેને કહ્યું કે અમે પણ તેના દેશનાં ફેન્સ બની જ ગયાં છીએ. તેણે અમને વધુ ખુશ કરીને હોટલના દરવાજે ઉતાર્યાં. સામાન રૂમ પર પટકીને અમે સીધાં શોપિંગ તરફ નીકળી પડ્યાં. ખાસ તો એટલે પણ કે આટલી લાંબી ટ્રિપ પર અમે મર્યાદિત સામાન લાવેલાં. બાકી ખરીદી ત્યાંથી કરવાની હતી.
અહીં કપડાં ધોવાનો નહીં, કપડાં ખરીદવાનો પ્લાન હતો. ક્યોટો સુધી અમારે સામાન મર્યાદિત જ રાખવો હતો. પણ હવે એ ફરજિયાત ન હતું. હવે અમે અહીં સાઇટસીઇંગ સાથે શોપિંગ માટે ઉત્સાહમાં આવી ગયેલાં. ત્યાં બપોર પછી પહોંચવામાં અંધાં થઈ ચૂક્યું હતું. થોડી ઠંડી પણ લાગી રહી હતી. એવામાં પહેલાં તો એક સૂપની કાફેમાં જઈને સૂપ અને રાઈસ ખાધાં. પછી થોડી સ્વીટ મોચી ગપચાવી. થોડી વારમાં મહાકાય યુનિક્લો આવી ગયું.
અહીં મોલ્સમાં પણ કાઉન્ટર પર બેઠેલી યુવતીઓ આપણે ત્યાં ફેરિયાઓ પાડે એવી બૂમો પાડીને તે દિવસની ખાસ ઓફરનું એનાઉન્સમેન્ટ કરી રહી હતી. તેના કારણે અત્યંત આધુનિક મોલમાં પણ આ જુનવાણી સેલ્સની મેથડ જરા અલગ જ માહોલ ઊભો કરી દેતી હતી. ટોક્યોમાં પણ થોડું આવું ક્યાંક સાંભળવા મળી ગયેલું, પણ અહીં યુનિક્લોમાં તો ખાસ જરા વધુપડતી જ બૂમો પડાઈ રહી હતી. વાત થોડી વિરોધાભાસી પણ લાગતી હતી. આમ એક તરફ લોકો શિસ્તના નામે ભાગ્યે જ અવાજ કરતાં, પણ આસપાસમાં સેલ્સ એનાઉન્સમેન્ટ, લાઉડ મ્યુઝિક, કાર્ટૂન્સ, પોપ મ્યુઝિક, ઘણાં સ્ટોરને અત્યંત લાઉડ બનાવી દેતું હતું.
ત્યાંથી ફરી સ્ટેશનના અન્ડરગ્રાઉન્ડને પાર કરીને અમારે બે ગલી વટાવીને હોટલ પહોંચવાનું હતું. જ્યાં પણ જાઓ, જાણે દરેક રસ્તા સ્ટેશન નીચેથી અથવા પાસેથી પસાર થતા હતા. અને કેમ ન હોય, આ સ્ટેશનનો ઇતિહાસ પણ જરા અનોખો છે. છેક 1874માં અહીં એક લાકડાનું સ્ટેશન હતું. આજે ત્યાં જાણે ભૂગર્ભમાં આખી દુનિયા વસે છે. અહીં એક ખાસ બાબત એ પણ ધ્યાનમાં આવી કે દરેક સમયે યંગ છોકરાઓ કે છોકરીઓનાં ઝુંડ અહીં એકદમ તૈયાર થઈને હેન્ગઆઉટ કરવા નીકળી પડ્યાં હોય તેમ દેખાતાં રહેતાં હતાં.
અહીં પણ યંગ લોકોનું મનોરંજન તૈયાર થઈને સ્ટેશનનાં મોલ પર જઈને વીડિયો અને સેલ્ફી લેવામાં જ હોય તેવું લાગતું હતું. અમારાં જેવાં ટૂરિસ્ટ પણ એમાં જોડાઈ જતાં. શોપિંગ અને ખાણીપીણીની મજા પૂરતી ન હોય તેમ અહીં રૂફટોપ ગાર્ડનો પણ છે. સ્ટેશન ઘણો મોટો એરિયા કવર કરે છે. જાપાનમાં ભીડ અને જગ્યાની તંગી વચ્ચે ઘણું આર્કિટેક્ચર વર્ટિકલ જ છે. અહીં માત્ર એક નહીં, બે-ત્રણ ગાર્ડન છે. ખાસ દસમા માળનું યાવારગી નોનિવા ખાસ તેના વ્યુ માટે યાદ રહી ગયું છે.
આ વિસ્તારમાં કદાચ ધારો તો પણ ચૂકી ન જવાય તેવો 17 માળનો દાઈમા મોલ પણ અમે તે દિવસે તો બહારથી જોઈ લીધો. બધું માત્ર બહારથી જોવામાં જ 25 હજાર સ્ટેપ્સ થઈ જતાં હતાં. ત્યાં અંદર જવા જેટલી એનર્જી જ નહોતી બચતી. ઓસાકામાં હજી સુમા રેસલિંગનો પણ પ્લાન હતો અને પોર્ટ જોવાનો પણ. આ શહેર ટોક્યો અને ક્યોટોના પ્રમાણમાં થોડું કોમર્શિયલ કહેવાય છે, પણ ખં જોવા જાઓ તો યંગ જાપાન ઓસાકામાં જ આવીને વસતું હોય તેવું લાગતું હતું.