ખાનગી કંપનીમાં નાઇટ શિફ્ટ પૂર્ણ કરીને ટેમ્પોમાં ઘરે જતા શ્રમિકોને કાળ ભેટ્યો
ભુજઃ ભુજના ધોરીમાર્ગો પર ભારે વાહનોની અવરજવર વધી જતાં લગભગ દરરોજ પ્રાણઘાતક માર્ગ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આજે બુધવારે કડકડતી ઠંડી સાથેની વહેલી સવારના અરસામાં ભચાઉ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આગળ જઈ રહેલા મીની ટેમ્પોને પાછળથી ધસમસતા આવેલા ટ્રકે ટક્કર મારી દેતાં સર્જાયેલા અકસ્માતમાં બે શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે ત્રણને અત્યંત ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ જીવલેણ દુર્ઘટના અંગે ભચાઉ પોલીસ મથકેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઇ ગામ નજીક આવેલી બુંગી નામની કંપનીમાં મજૂરીકામ કરતા 15 થી 17 જેટલા શ્રમિકો નાઇટ શિફ્ટ પૂર્ણ કરીને ટેમ્પોમાં બેસીને નજીકના પડામાં આવેલી મજૂર વસાહત તરફ જઇ રહ્યા હતા ત્યારે ભચાઉ નજીક સિમેન્ટના પાઇપ ભરેલા ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પો પલટી જતાં તેની નીચે કચડાઈ જવાથી બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જ્યારે ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક શ્રમિકની હાલત અત્યંત નાજુક હોવાનું જ્યારે ટેમ્પોચાલક સહિત અન્ય શ્રમિકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.