(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: લોકોના આરોગ્ય સાથે ચેડાં કરીને ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરવા સંબંધી સાડા બાર વર્ષ જૂના કેસમાં ભુજના સંસ્કારનગર ચાર રસ્તા પાસેના ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ નામની જાણીતી દુકાનના સંચાલક એવા દયારામ ખીમજી દાવડા અને તેના પુત્ર મહેશ દયારામ દાવડાને આરોપી ઠેરવીને છ-છ માસનો સખત કારાવાસ તથા એક-એક લાખનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો આપતાં, મિલાવટ કરતા મીઠાઈ-ફરસાણના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હકો.
શું છે કેસ
પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૩જી જૂન,૨૦૧૩ના રોજ ગુજરાત રાજ્ય માટે નોટિફાઈડ થયેલા ફૂડ સેફ્ટી ઓફિસરે સાક્ષીની રૂબરૂમાં ખાવડા સ્વીટ એન્ડ ફરસાણમાં ડીપફ્રીઝરમાં રાખવામાં આવેલો બે કિલો કેરીના રસનો જથ્થો પૃથક્કરણ અર્થે લીધો હતો અને નમૂનો ફૂડ એનાલિસ્ટ વડોદરાને ચકાસણી માટે મોકલતાં તે અખાદ્ય જાહેર થયો હતો. આ બાદ ફરિયાદીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી હતી અને મંજૂરી મળતાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવા ચકાસ્યા હતા.
પક્ષકારોએ રજૂઆત કરી હતી કે, આ ગુનો નાગરિકોના આરોગ્ય, સલામતી માટે નુકશાનકારક સાબિત થાય તે પ્રકારનો છે. લોકોને સ્વસ્થ અને ભેળસેળ વિનાનો ખોરાક પ્રાપ્ત થાય તે માટે અધિનિયમની જોગવાઈ કરવામાં આવી છે. આ કેસમાં આરોપી દયારામ અને મહેશને બીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ જ્યોતિ વિરાટ બુદ્ધે તકસીરવાન ઠેરવીને છ માસની સખત કેદની સજા તથા પ્રત્યેકને એક-એક લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદનો હુકમ ફરમાવ્યો છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિએ કોર્ટરૂમમાં દલીલો કરી હતી.
ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા કચ્છમાં મીઠાઈ-ફરસાણની દુકાનોમાં સમયાંતરે સઘન તપાસ થતી રહે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે.