ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાતથી તક્ષશિલા સુધીના વિસ્તારમાં ચાલી રહેલા પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન આઠ પ્રાચીન સ્થળો મળી આવ્યા છે. જેમાં સ્વાતના બારીકોટમાં આશરે 1,200 વર્ષ જૂના એક નાના મંદિરના અવશેષો પણ મળી આવ્યા છે. આ મંદિરના અવશેષો આ પ્રદેશના સાંસ્કૃતિક અને સભ્યતા વારસાનો દુર્લભ પુરાવો છે. ઇટાલિયન પુરાતત્વવિદોએ ખૈબર પખ્તુનખ્વા પુરાતત્વ નિયામકના સહયોગથી આ પ્રાચીન સ્થળો શોધી કાઢ્યા છે.
ખોદકામ સ્વાત નદી તરફ આગળ વધારવામાં આવ્યું
ઈટાલિયન પુરાતત્વીય મિશનના ડિરેક્ટર ડૉ. લુકાએ અહેવાલ આપ્યો હતો કે બારીકોટ ખાતે ઉત્ખનન દરમિયાન એક નાના મંદિરના અવશેષો મળી આવ્યા હતા. તેમજ મંદિર અને આસપાસના પુરાતત્વીય સ્તરોની આસપાસ એક રક્ષણાત્મક બફર ઝોન સ્થાપિત કરવા માટે ખોદકામ સ્વાત નદી તરફ આગળ વધારવામાં આવ્યું છે.
ઘણા સ્થળોએ ઉત્ખનન કાર્ય શરૂ
'ખૈબર પાથ પ્રોજેક્ટ' હેઠળ 400 થી વધુ સ્થાનિક કામદારોને ઉત્ખનન, સંરક્ષણ અને વારસા વ્યવસ્થાપનમાં વ્યવહારુ તાલીમ તેમજ રોજગારની તકો પૂરી પાડવામાં આવશે. 1 જૂનથી શરૂ થયેલા આ પ્રોજેક્ટનો હેતુ પ્રાંતમાં પ્રાદેશિક વિકાસ, વ્યાવસાયિક ક્ષમતા નિર્માણ અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. આમાંના ઘણા સ્થળોએ ઉત્ખનન કાર્ય શરૂ થઈ ગયું છે.
પ્રદેશમાં માનવ સંસ્કૃતિનું નોંધપાત્ર સાતત્ય
પ્રારંભિક અભ્યાસો સૂચવે છે કે આ સ્થળો પર ઈતિહાસ કાળ પૂર્વેના સમયથી ઇસ્લામિક સમયગાળા સુધી સતત વસવાટ રહ્યો હતો. જેમાં મુખ્ય શોધોમાંની એક ગઝનવી સમયગાળાનો કિલ્લો માનવામાં આવે છે. ઇટાલિયન પુરાતત્વવિદોએ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને અત્યાર સુધીમાં ખૈબર પખ્તુનખ્વામાં 50 થી વધુ પુરાતત્વીય સ્થળો શોધી કાઢ્યા છે. આ શોધો આ પ્રદેશમાં માનવ સંસ્કૃતિનું નોંધપાત્ર સાતત્ય દર્શાવે છે.