(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ થોડા સમય અગાઉ ભુજ તાલુકાના કુકમા ગામમાં સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી દરમ્યાન, એક દુકાનદારે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ મેળવ્યો હોવા છતાં તેની દુકાનનો આગળનો ભાગ તોડી પાડવામાં આવતાં ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ'ની કાર્યવાહી શરૂ થતાં ચકચાર પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકાના કુકમા ગામના સુલેમાન જુસબ કકલને બસ સ્ટેશનની સામે વ્યવસાય શરૂ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી જમીન ઉપર તેણે ટાયર- ટયુબ રીપેર કરવાની એક દુકાન બનાવી હતી.
આ સંદર્ભે પંચાયતે નોટિસ કાઢી હતી જેને સુલેમાને હાઇ કોર્ટમાં પડકારતાં કોર્ટે વચગાળાનો મનાઇ હુકમ આપ્યો અને આ સંદર્ભે ભુજ તાલુકા વિકાસ અધિકારી તથા કુકમાના તલાટીને નોટિસની બજવણી થઇ છતાં વિવાદીની દુકાનના આગળનો કેટલોક ભાગ તોડી પાડીને આર્થિક નુકસાન કરતાં આ સંદર્ભે ગુજરાત હાઇ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરી અને ભુજ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ૨૫૦૦૦નું બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.