થાણે: પાલઘર જિલ્લામાં પચાસ હજાર રૂપિયાની કથિત લાંચ માગવા બદલ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સિંધુદુર્ગમાં એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરને 22 હજારની લાંચ લેતાં પકડી પાડ્યો હતો.
એપીઆઇની ઓળખ સાહેબરાવ કચરે તરીકે થઇ હોઇ તે ઘોલવડ પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો, એમ એસીબીના અધિકારીએ જણાવ્યું હતું. ફરિયાદીએ 9 ડિસેમ્બરે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેમાં એક કેસમાં આરોપી એવા તેના સંબંધીની ધરપકડ ન કરવા માટે કચરેએ લાંચ માગી હતી.
કચરેએ ફરિયાદીના સંબંધીની ધરપકડ ન કરવા અને કેસ ફાઇલમાંથી તેનું નામ કાઢી નાખવા માટે પચાસ હજાર રૂપિયાની લાંચ માગી હોવાનું સ્થાપિત થયા બાદ તેની વિરુદ્ધ પ્રિવેશન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જરૂર પડ્યે એપીઆઇની ધરપકડ કરાશે, એમ એસીબીના અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન એસીબીના સિંધુદુર્ગ યુનિટે બુધવારે ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરને 22 હજારની લાંચ સ્વીકારતાં પકડી પાડ્યો હતો. ઓરોસના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પંકજ વિઠ્ઠલ શેળકેએ ટ્રકની ખરીદી અંગે સરકારની સબ્સિડીના પ્રસ્તાવને મંજૂરી આપવા રૂપિયાની માગણી કરી હતી. (પીટીઆઇ)