(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: ગાંધીધામમાં ‘ઘરના જ ઘાતકી’ જેવો ઘાટ સર્જાયો હતો, જે કર્મચારી પર કંપનીએ છેલ્લા ૮ વર્ષથી ભરોસો મૂક્યો હતો. તે જ કલેક્શન મેનેજરે ગ્રાહકોના હપ્તાના નાણાં બારોબાર ચાઉં કરી જઈ પેઢીને રૂ. ૭.૦૭ લાખનો ચૂનો ચોપડતા કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ગાંધીધામ શહેરમાં સ્થિત એક ફાઇનાન્સ પેઢીના ક્લેક્શન મેનેજર વિરુદ્ધ રૂા. ૭,૦૭,૨૦૬ની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
મળતી વિગતો અનુસાર ગાંધીધામના ટી.બી.ઝેડ વિસ્તારમાં આવેલી લિગલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ પેઢીમાં, લિગલ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા સુરેશ રાજા પુરોહિતે આ પેઢીમાં આઠ વર્ષથી એરિયા ક્લેક્શન મેનેજર તરીકે કામ કરનારા આશુતોષ નટવરલાલ દવે વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઇ ગ્રાહકે હપ્તા ન ભર્યા હોય તેમની પાસેથી હપ્તા મેળવી રસીદ આપી તે પૈસા પેઢીના ખાતામાં જમા કરાવવાનું કામ આ કર્મચારી કરતો હતો.
કંપનીએ પ્રકાશ ભુદાભાઇ ગોયલને હપ્તા માટે સંપર્ક કરતા આ ગ્રાહકે આર.ટી.જી.એસ. મારફતે હપ્તા ભરીને લોન બંધ કરાવી એન.ઓ.સી. મેળવી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આ આરોપીએ પ્રકાશ ગોયેલ, કાના હધુ રબારી, મનસુખ શામજી વરચંદ, લખન પાંચા માતા, ફારૂક જુમા હાજમ, ચંદન દીપક તરાણી પાસેથી કુલ રૂ. ૧૧,૪૨,૬૨૭ મેળવી લીધા હતા, જે પૈકી તેણે પેઢીમાં રૂ. ૪,૩૫,૪૨૧ જમા કરાવ્યા નહોતા.
બાકી નીકળતા રૂ. ૩,૯૭,૦૨૭ આર. ટી. જી. એસ. મારફતે જીવા ભીમા રબારીના ખાતામાં, રૂ. ૧,૧૯,૨૦૦ પોતાના ખાતામાં, તે સિવાય રૂ. ૧,૯૦,૯૭૯ રોકડ રકમ અંગત ખાતામાં રાખીને ફાઇનાન્સ પેઢી સાથે રૂ. ૭,૦૭,૨૦૬ની છેતરપિંડી-ઠગાઇ આચરી હતી. પોલીસે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી આદરી છે.