Mon Dec 08 2025

Logo

White Logo

બિહાર સંગ્રામઃ : ગિરિરાજ સિંહના વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો, જાણો શું કહ્યું હતું

1 month ago
Author: ક્ષિતિજ નાયક
Video

પટનાઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લઘુમતી સમુદાય પર કરેલી ટિપ્પણીને લઈને રાજકીય વિવાદ પેદા થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને “નમકહરામ”ના મતોની જરૂર નથી. તેમણે આ ટિપ્પણી બિહારના અરવલ જિલ્લામાં એક જનસભાને સંબોધતા કરી હતી.

બેગુસરાયના ભાજપ સાંસદે કહ્યું હતું કે, “મેં એક મૌલવીને પૂછ્યું હતું કે શું તેમની પાસે આયુષ્માન ભારત આરોગ્ય કાર્ડ છે. તેમણે કહ્યું, ‘હા.’ મેં પૂછ્યું કે શું આ કાર્ડ હિન્દુઓ અને મુસ્લિમોના આધારે વહેંચવામાં આવ્યા છે, અને તેમણે કહ્યું, ‘ના.'” તેમણે કહ્યું હતું કે, “જ્યારે મેં તેમને પૂછ્યું કે શું તેમણે મને મત આપ્યો છે, ત્યારે તેમણે કહ્યું, ‘હા.’ પરંતુ જ્યારે મેં કહ્યું, ‘તમને ખુદાની કસમ,’ ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘ના, મેં મત આપ્યો નથી.’ મુસ્લિમો અમારી બધી કેન્દ્રીય યોજનાઓનો લાભ લે છે પણ અમને મત આપતા નથી. આવા લોકોને ‘નમકહરામ’ કહેવામાં આવે છે. “મેં મૌલવીને કહ્યું હતું કે મારે નમકહરામના મત નથી જોઈતા.’

ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે તેમણે મૌલવીને પૂછ્યું હતું કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય તેમનું અપમાન કર્યું છે અથવા તેમણે (ગિરિરાજ સિંહ) આવું કંઈ કર્યું છે, અને તેમણે જવાબ આપ્યો, ‘ના.’ ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, “પછી મેં પૂછ્યું કે મારો વાંક શું છે કે તમે મને મત ન આપ્યો. જે કોઈ ઉપકારને ઓળખતો નથી તેને નમકહરામ કહેવામાં આવે છે.” તેમણે દાવો કર્યો કે એનડીએ સરકારે બિહારના સર્વાંગી વિકાસ માટે અસંખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે.

સિંહે કહ્યું હતું કે, “બિહારમાં રસ્તાઓ ફક્ત એનડીએ નેતાઓ અને કાર્યકરો માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યા છે. બિહાર હવે બદલાઈ ગયું છે. એનડીએ સરકાર સમાજના દરેક વર્ગ માટે કામ કરે છે, પરંતુ મુસ્લિમો ભાજપને મત આપતા નથી.”

ગિરિરાજ સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પ્રદેશ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ પીટીઆઈ વીડિયોને જણાવ્યું હતું કે, “એ વાત જાણીતી છે કે ભાજપના નેતાઓ હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ સિવાય બીજું કંઈ બોલી શકતા નથી. તેઓ બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ કે આરોગ્ય જેવા વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરતા નથી. જ્યારે તમે તેમની સાથે વિકાસ વિશે વાત કરો છો ત્યારે તેઓ ધર્મનો મુદ્દો ઉઠાવીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે.”

ગિરિરાજ સિંહ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે પહેલા પણ ઘણી વખત ચર્ચામાં રહી ચૂક્યા છે. નોંધનીય છે કે બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે મતદાન 6 અને 11 નવેમ્બરે બે તબક્કામાં થશે, જ્યારે મતગણતરી 14 નવેમ્બરે થશે.