ગૂગલ સર્ચ એન્જિન આજે આપણા તમામ લોકોના જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે. નાનામાં નાની વાતથી લઈને મોટામાં મોટી મૂંઝવણનો ઉકેલ લાવવા માટે આપણે ગૂગલબાબાને શરણે જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ માત્ર માહિતી આપવાનું સાધન પૂરતું સીમિત નથી રહ્યું? તમને જાણીને નવાઈ લાગશે કે ગૂગલ પોતાની અંદર અનેક રોમાંચક અને મજેદાર 'સરપ્રાઈઝ' પણ છુપાવીને રાખે છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું...
આજે આપણે ગૂગલની એવી જ એક નવી અને વાઈરલ થઈ રહેલી ટ્રીક '67' વિશે વાત કરીશું, જે હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ગૂગલ સમય-સમય પર તેના યુઝર્સને ખુશ કરવા માટે સર્ચ એન્જિનમાં અમુક ખાસ ફીચર્સ ઉમેરે છે, જેને ટેકનિકલ ભાષામાં 'ઈસ્ટર એગ્સ' (Easter Eggs) કહેવામાં આવે છે. હાલમાં આવો જ એક આંકડો '67' સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
શું થાય છે જ્યારે તમે '67' સર્ચ કરો છો?
જો તમે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલ ઓપન કરીને સર્ચ બારમાં માત્ર "67" અથવા "6-7" ટાઈપ કરીને એન્ટર આપશો, તો તમારી સ્ક્રીન પર એક અનોખો નજારો જોવા મળશે. સર્ચ રિઝલ્ટ આવતાની સાથે જ તમારી આખી સ્ક્રીન થોડી ક્ષણો માટે 'ધ્રૂજવા' (Shake) લાગશે અથવા થોડી હલશે.
ગભરાવાની જરૂર નથી! ઘણીવાર સ્ક્રીન હલતી જોઈને યુઝર્સને એવું લાગે છે કે તેમના ફોન કે લેપટોપમાં કોઈ ટેકનિકલ ખામી આવી ગઈ છે અથવા ડિસ્પ્લે બગડી ગઈ છે. પરંતુ ચિંતા કરશો નહીં, આ કોઈ વાયરસ કે ખામી નથી. આ ગૂગલ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક નાનકડું અને મજેદાર એનિમેશન છે, જે યુઝર્સને આશ્ચર્યચકિત કરવા માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે.
ગૂગલ અવારનવાર કોઈ ખાસ દિવસ, વર્ષગાંઠ કે ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે તેના હોમપેજ પર 'ડૂડલ' મૂકે છે. આ '67' ટ્રીક પણ ગૂગલના આવા જ ક્રિએટિવ પ્રયોગોનો એક હિસ્સો છે. આ ટ્રીક પાછળનો હેતુ યુઝર્સના સર્ચિંગ અનુભવને વધુ મનોરંજક બનાવવાનો છે.
હવે વાત કરીએ ગૂગલની બીજી કેટલીક જાણીતી અને જૂની ક્લાસિક ટ્રીક વિશે કે જે આજે પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો તમે ગૂગલ પર Do a Barrel Roll ટાઈપ કરશો એટલે મેજિક થશે. તમારી આખી સ્ક્રીન પ્લેનની જેમ 360 ડિગ્રી ગોળ ફરી જશે. ડુ એ બેરેલ રોલ સિવાય તમે ગૂગલ પર Askew શબ્દ પણ ટાઈપ કરશો તો તમારું ગૂગલનું હોમપેજ સ્લાઈટલી ત્રાસું થઈ જશે.
છે ને એકદમ મજેદાર અને ગમ્મત પડે એવી કમાલની ટ્રીક? તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વૃદ્ધિ કરજો. આવી જ બીજી મજેદાર માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.