Thu Dec 25 2025

Logo

White Logo

સિનિયરોની મહાપાલિકામાંથી એક્ઝિટ બાદ : હવે ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કોની પાસે?

21 hours ago
Author: Yogesh C Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થઈ ત્યારે મુંબઈમાં ભાજપની જીત માટેનું શ્રેય ગુજરાતી મતદારોને જ જાય છે. શિવસેના (યુબીટી)ના ગુજરાતી દ્વેષ પાછળનું સૌથી  મોટું કારણ આ જ હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે, પણ અત્યારે રાજકીય ક્ષેત્રે અલગ જ ચિત્ર ઊભું થઈ રહ્યું છે. મુંબઈમાં ગુજરાતી બહુમતીવાળા અનેક વિસ્તારો હોવા છતાં ગુજરાતી નેતાઓ આંગળીને વેઢે ગણાય એટલા જ હોવાથી આગામી દિવસોમાં મહાપાલિકામાં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કોણ કરશે, એ પ્રશ્ર્ન મૂંઝવણ ઊભી કરનારો છે. વળી, સિનિયર ગુજરાતી નેતાઓએ મહાપાલિકામાંથી એક્ઝિટ લીધી હોવાથી હવે આગામી ચૂંટણીમાં કેટલા ગુજરાતીઓને ટિકિટ મળશે એ જોવું રહ્યું.

મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણી 2017માં થઈ હતી, જેમાં 26 ગુજરાતી નગરસેવક ચૂંટાયા હતા. આમાંથી અમુક નગરસેવક વિધાનસભ્ય અને સંસદસભ્ય બની ગયા છે તો અમુક વયમર્યાદાને કારણે ચૂંટણી લડી શકે એમ નથી. એક સમયે ગુજરાતી નગરસેવકોની યાદી લાંબી હતી, પણ અત્યારે ઇચ્છુક ઉમેદવારોમાં ગુજરાતીઓનાં નામ જૂજ હોવાનું કહેવાય છે.દક્ષિણ મુંબઈના મુંબાદેવી મતવિસ્તારના નગરસેવક અતુલ શાહ વધતી ઉંમર કારણે ઉમેદવારી નોંધાવી શકે એમ નથી.

ઘાટકોપરના પ્રવીણ છેડા પણ વધી રહેલી ઉંમર ઉપરાંત આસપાસના વૉર્ડ રિઝર્વ થવાને કારણે ઉમેદવારી નોંધાવી શકશે નહીં. પ્રવીણ છેડા કૉંગ્રેસની ટિકિટ પર નગરસેવક તરીકે ચૂંટાયા હતા અને મુંબઈ મહાપાલિકામાં વિરોધ પક્ષના નેતા પણ હતા. હાલમાં છેડા ભાજપ સાથે જોડાયેલા છે. એ સિવાય અતુલ શાહ જે વૉર્ડમાંથી ચૂંટાયા હતા તે હવે મહિલાઓ માટે અનામત થઈ ગયો છે.મુલુંડમાંથી ભાજપના નેતા મનોજ કોટક અને મિહિર કોટેચા નગરસેવક તરીકે ચૂંટાયા હતા, પરંતુ બાદમાં મિહિર કોટેચા વિધાનસભ્ય તરીકે ચૂંટણી જીત્યા છે. એટલે મહાપાલિકામાંથી તેમની એક્ઝિટ થઈ ગઈ છે. બીજી બાજુ, મનોજ કોટક ઈશાન મુંબઈના સાંસદ બન્યા હતા. સાંસદની ટર્મ પૂરી થઈ ગયા પછી હવે સંગઠન માટે કામ કરે છે.

એ જ રીતે ઘાટકોપરના નગરસેવક પરાગ શાહ વિધાનસભામાં ગયા પછી તે મહાપાલિકામાંથી બહાર નીકળી ગયા છે. બોરીવલીના ભાજપના નેતા પ્રવીણ શાહને પણ વયમર્યાદા નડી શકે છે. વળી, તેમનો વૉર્ડ મહિલાઓ માટે અનામત થઈ ગયો છે. ઉપરાંત, 30 વર્ષ નગરસેવક રહેલા સિનિયર નેતા ડૉ. રામ બારોટનું નિધન થતાં તેમને સ્થાને કોને ઉમેદવારી મળે એ જોવું રહ્યું.2017માં અંધેરીમાંથી મુરજી પટેલ નગરસેવક તરીકે ચૂંટાયા હતા તો પાસેના વૉર્ડમાંથી તેમનાં પત્ની કેસરબહેન પણ નગરસેવક બન્યાં હતાં. જોકે બાદમાં તેમના જાતિ સર્ટિફિકેટને લઈ ખાસ્સો હોબાળો મચ્યો હતો. સર્ટિફિકેટ બનાવટી હોવાની ખાતરી થતાં દંપતીનાં નગરસેવક પદ રદ કરવામાં આવ્યાં હતાં. પછી મુરજી પટેલ ભાજપની ટિકિટ પરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.

મુંબઈમાં અનેક મતવિસ્તારોમાં ગુજરાતીના મત નિર્ણાયક સાબિત થતા હોવા છતાં અત્યારે મુંબઈમાં ત્રણ જ ગુજરાતી વિધાનસભ્ય છે. આવી જ સમસ્યા મહાપાલિકાની ચૂંટણી દરમિયાન રહેવાની શક્યતા છે. ગુજરાતી બહુમતીવાળા વિસ્તારોમાં પણ ઇચ્છુક ગુજરાતી ઉમેદવારોનાં નામ નજરે પડતાં નથી.