Mon Dec 08 2025

Logo

White Logo

આન્દ્રે રસેલે ઇતિહાસ સરજ્યો, : વિશ્વનો એવો પ્રથમ ક્રિકેટર બન્યો જેણે...

13 hours ago
Author: Ajay Motiwala
Video

શારજાહઃ વેસ્ટ ઇન્ડિઝનો ધમાકેદાર બૅટ્સમૅન અને દમદાર ફાસ્ટ બોલર આન્દ્રે રસેલ (Andre Russell) તાજેતરમાં આઇપીએલમાંથી નિવૃત્ત થઈ ગયો અને પાછો કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમનો પાવર-કોચ પણ બની ગયો એટલે થોડા દિવસથી ચર્ચામાં તો છે જ, પણ ફરી એકવાર તે ફટકાબાજીને લીધે ચમકી ગયો છે જેમાં તેનો એવો વિશ્વવિક્રમ નોંધાયો છે જેની બરાબરી ઘણા વર્ષો સુધી બીજો કોઈ પ્લેયર નહીં કરી શકે.

ઑલરાઉન્ડર રસેલે આ અનોખી સિદ્ધિ શારજાહમાં ઇન્ટરનૅશનલ લીગ ટી-20 નામની ટૂર્નામેન્ટમાં મેળવી છે. તે વિશ્વનો એવો પ્રથમ અને એકમાત્ર ક્રિકેટર બન્યો છે જેણે ટી-20 ફૉર્મેટમાં 5,000 રન કરવા ઉપરાંત 500 વિકેટ પણ લીધી છે તેમ જ 500 સિક્સર પણ ફટકારી છે.

રસેલે જુલાઈ, 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેણે શુક્રવારે શારજાહમાં અબુ ધાબી નાઇટ રાઇડર્સ (Abu Dhabi Knight Riders) વતી રમતી વખતે ડેઝર્ટ વાઇપર્સ ટીમના ખેલાડી અને પોતાના જ દેશના શિમરૉન હેટમાયરની વિકેટ લીધી ત્યારે તેની (રસેલની) સિદ્ધિ પૂરી થઈ હતી. ટી-20 ક્રિકેટમાં રસેલની એ 500મી વિકેટ હતી.

અઢી દાયકા જૂના ટી-20 ફૉર્મેટમાં કુલ 126 ખેલાડી 5,000થી વધુ રન કરી ચૂક્યા છે, છ બોલર 500થી વધુ વિકેટ મેળવી ચૂક્યા છે અને 10 બૅટ્સમેન 500થી વધુ સિક્સર ફટકારી ચૂક્યા છે, પરંતુ આ ત્રણેય લિસ્ટમાં એકમાત્ર આન્દ્રે રસેલનું નામ છે. તે ટી-20 ક્રિકેટમાં કુલ 12 જેટલી ટીમ વતી રમ્યો છે જેમાં તેણે 9,496 રન કર્યા છે, 772 સિક્સર ફટકારી છે તેમ જ 500 વિકેટ લીધી છે. ડ્વેઇન બ્રાવો અને શાકિબ અલ હસન ટી-20માં 5,000થી વધુ રન કરવા ઉપરાંત 500 વિકેટ લઈ ચૂક્યા છે.