2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2026નું નવું વર્ષ પા પા પગલી કરતું નજીક આવી રહ્યું છે. દર મહિનાની પહેલી તારીખે કેટલાક સરકારી નિયમો અને પોલિસીમાં ફેરફાર કરવામાં આવતા હોય છે, જેની અસર આમઆદમીમા ખિસ્સા પર જોવા મળતી હોય છે.
પહેલી જાન્યુઆરી, 2026થી દેશમાં અનેક મોટા આર્થિક અને ડિજિટલ ફેરફારો થવા જઈ રહ્યા છે. અગાઉ જણાવ્યું એમ પહેલી તારીખથી અમલમાં આવનારા આ ફેરફારો તમારા ખિસ્સા, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે. સમયસર આ માહિતી જાણી લેવી જરૂરી છે જેથી તમે કોઈ મુશ્કેલીમાં ના ફસાવ. ચાલો જોઈએ શું છે આ નવા નિયમો અને ફેરફાર-
પેન-આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત
જો તમે હજુ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કર્યું, તો ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીનો જ સમય છે. પહેલી જાન્યુઆરી 2026થી આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નહીં હોય તો તે ડિએક્ટિવેટ થઈ જશે અને એને કારણે તમે આઈટીઆર ફાઈલ નહીં કરી શકો, બેંકિંગ ટ્રાન્ઝેક્શનમાં મુશ્કેલી પડશે અને સરકારી સબસિડી પણ અટકી શકે છે.
બેંકિંગ અને લોન સેક્ટરમાં ફેરફાર
અત્યાર સુધી ક્રેડિટ સ્કોર મહિનામાં બે વાર અથવા ૧૫ દિવસે અપડેટ થતો હતો, જે હવે દર અઠવાડિયે અપડેટ થશે. આનાથી લોન લેવાની પ્રક્રિયા ઝડપી બનશે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી (૬.૫૦% થી ૫.૨૫% સુધી), પહેલી જાન્યુઆરીથી હોમલોન અને કાર લોન સસ્તી થઈ શકે છે. અનેક મોટી બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ના નવા વ્યાજ દરો લાગુ કરવામાં આવશે.
ડિજિટલ સુરક્ષામાં બનાવાશે મજબૂત
ઓનલાઈન ફ્રોડ રોકવા માટે સરકાર કડક પગલાં ભરી રહી છે અને એ અનુસાર હવે નવા સિમ કાર્ડ માટે વેરિફિકેશન પ્રક્રિયા વધુ સખત બનશે. વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ દ્વારા થતા સ્કેમ રોકવા માટે નવા 'સિમ બાઈન્ડિંગ' નિયમો અમલમાં મૂકવામાં આવશે.
ગેસ અને ઇંધણના ભાવમાં થશે ફેરફાર
તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી, સીએનજી, પીએનજી તેમ જ એટીએફના ભાવની સમીક્ષા કરે છે. પહેલી જાન્યુઆરીના ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ સિવાય પહેલી જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય બજાર મુજબ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો અને ઘટાડો જોવા મળી શકે છે. વિમાનમાં વપરાતા એટીએફ ફ્યુઅલના ભાવમાં ફેરફાર થતાં તેની અસર ટિકિટના ભાવ પર અસર પડશે.
8મું પગાર પંચ થશે લાગુ
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આ સૌથી મોટા સમાચાર છે. ૭મા પગાર પંચની મુદત 31મી ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થાય છે. સરકારે 8મા પગાર પંચ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે તેનો સંપૂર્ણ અમલ થતા સમય લાગી શકે છે, પરંતુ તેના એરિયર્સ (બાકી રકમ) પહેલી જાન્યુઆરી 2026થી ગણાશે તેવી પ્રબળ શક્યતા છે. આનાથી લાખો કર્મચારીઓના પગારમાં જંગી વધારો જોવા મળશે.
ખેડૂતો માટે યુનિક કિસાન આઈડી
ખેડૂતો માટે નવી ડિજિટલ ઓળખ શરૂ થઈ રહી છે. પીએમ કિસાન યોજનાનો લાભ ચાલુ રાખવા માટે 11 ડિજિટનું યુનિક કિસાન આઈડી ફરજિયાત બનાવવામાં આવશે. આ પાક વીમામાં હવે જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનને પણ આવરી લેવામાં આવશે, જેનો રિપોર્ટ 72 કલાકમાં આપવો પડશે.
વાહન ખરીદવાનું થશે મોંઘુ
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલી જાન્યુઆરી પહેલાં જ ખરીદી લેવી તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે નિસાન, એમજી મોટર અને બીએમડબ્લ્યુ જેવી કંપનીઓએ ઇનપુટ કોસ્ટ વધવાને કારણે ભાવમાં 3% સુધીના વધારાની જાહેરાત પહેલાંથી જ કરી દીધી છે.