મુંબઈઃ ગત 19મી ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 4.368 અબજ ડૉલર વધીને 693.318 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 1.689 અબજ ડૉલર વધીને 688.949 ડૉલરની સપાટીએ રહી હતી.
રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્કયામતો 1.641 અબજ ડૉલર વધીને 559.428 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્કયામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 2.623 અબજ ડૉલર વધીને 110.635 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. આ સિવાય ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સામેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 80 લાખ ડૉલર વધીને 18.744 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 9.5 કરોડ ડૉલર વધીને 4.782 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.