મુંબઈ: મહારાષ્ટ્રમાં નગર પરિષદ અને પંચાયતની ચૂંટણીઓમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. મુંબઈ બીએમસી ચૂંટણી માટે સાથે આવી રહેલા ઠાકરે ભાઈઓના ગઠબંધનને પાર્ટીએ 'ભય સંગમ' ગણાવ્યો હતો.
નગર પંચાયત અને નગર પરિષદની ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્ર ભાજપ તરફથી એક વિસ્તૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં દેવેન્દ્ર ફડણવીસ જ 'ધુરંધર' સાબિત થયા છે આગળ પણ રહેશે. ભાજપે શિવસેના યુબીટીના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને "રહેમાન ડાકુ" ગણાવ્યા હતા.
ભાજપના મતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીમાં તેમના વિરોધીઓને હરાવ્યા હવે, મ્યુનિસિપલ ચૂંટણીમાં પણ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ "ધૂરંધર" જ સાબિત થશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને રાઉત "રહેમાન ડાકુ" છે, કારણ કે તેમણે છત્રપતિ સંભાજીનગરનું નામ બદલવા સામે અરજી દાખલ કરનારાઓને શિવસેના (યુબીટી)માં સામેલ કર્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપના મીડિયા વિભાગના પ્રમુખ નવનાથ બાને જણાવ્યું છે કે હારના ડરથી રચાયેલ ઠાકરે બંધુઓનું "ભય સંગમ" નાટક નિષ્ફળ જશે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓમાં હારના ડરથી ઠાકરે બંધુઓ એક સાથે આવી રહ્યા છે. આ "પ્રીતિ સંગમ" નથી, પરંતુ "ભય સંગમ" છે.
મતદારો આ "ભય સંગમ" (ભય સંગમ) પ્રયોગને નિષ્ફળ બનાવશે. બાને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ એક સમયે પોતાના ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યો હતો, મનસે પાર્ટી તોડવાનો પ્રયાસ કર્યો હતો, અને હવે હારના ડરથી તે જ ભાઈ પ્રત્યે ખોટો પ્રેમ બતાવી રહ્યા છે.
ભાજપના નેતાએ કહ્યું કે જ્યારે રાજ ઠાકરે ૧૦૦ બેઠકની માંગ કરી રહ્યા છે, ત્યારે માત્ર ૬૦ બેઠકો આપીને ઉદ્ધવ જૂથ મનસેને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે સંજય રાઉત પાસેથી મ્યુનિસિપલ અને નગર પરિષદની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા પૈસા ઉડાડવાના રાઉતના આરોપો અંગે પુરાવા માંગ્યા છે અને પાર્ટીએ તેમને અર્થહિન નિવેદનો આપવાનું બંધ કરવા વિનંતી કરી હતી.
રોહિત પવારે કોંગ્રેસને ભાજપની "બી ટીમ" ગણાવવાના હાસ્યાસ્પદ આરોપ બદલ બાન પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે રોહિત ઈર્ષ્યાથી આવા આરોપો લગાવી રહ્યા છે, કારણ કે મહા વિકાસ આઘાડીના ઘટક કોંગ્રેસે પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી કરતા ત્રણ ગણી વધુ બેઠકો જીતી છે. ભાજપે જણાવ્યું હતું કે નીલેશ રાણે મહાયુતિનો ભાગ છે. સિંધુદુર્ગમાં, ગઠબંધન કેટલાક મતવિસ્તારોમાં નિષ્ફળ ગયું, જેના કારણે અલગ ચૂંટણીઓ થઈ. કેટલાક મતભેદો હતા, પરંતુ તેમની વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી.
લાડકી બહેનો માટે મોટી જાહેરાત
નગર પરિષદ અને નગર પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં મહાયુતિને ભવ્ય વિજય મળ્યો. મહાયુતિના કુલ ૨૮૮માંથી ૨૧૪ નગરાધ્યક્ષ પદના ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી.
આ ચૂંટણી પરિણામોમાં ભાજપ રાજ્યનો સૌથી મોટો પક્ષ બન્યો છે, જ્યારે શિવસેના (શિંદે જૂથ) બીજા ક્રમે રહ્યો છે. શિવસેના શિંદે જૂથના ૫૭ ઉમેદવાર વિજયી થયા હતા. આ જીત પર પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ 'લાડકી બહેનો'ને અભિનંદન પાઠવ્યા હતા.
'અત્યાર સુધીના ઈતિહાસમાં શિવસેનાના આટલા નગરપાલિકા પ્રમુખો ક્યારેય ચૂંટાયા નહોતા. કાર્યકર્તાઓ અને લાડકી બહેનોને અભિનંદન. અઢી વર્ષના સમયગાળા દરમિયાન મહાવિકાસ આઘાડીએ જે કામો પર રોક લગાવી હતી, તે તમામ અવરોધો દૂર કર્યા અને મહારાષ્ટ્રને આગળ ધપાવ્યું. મારી પ્રિય યોજના 'મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના'નો અનેક લોકોએ વિરોધ કર્યો, પરંતુ વિરોધને ફગાવીને યોજના શરૂ રાખવામાં આવી.
કોઈ પણ આ યોજના બંધ કરી શકશે નહીં. લાડકી બહેનોને ૨૧૦૦ રૂપિયા આપીશું, અને યોગ્ય સમયે અમે આ સન્માન નિધિમાં વધારો પણ કરીશું', એવી જાહેરાત એકનાથ શિંદેએ કરી હતી.