Mon Dec 22 2025

Logo

White Logo

મહારાષ્ટ્રના પ્રધાન માણિકરાવ કોકાટે : પહોંચ્યા હાઈ કોર્ટઃ છેતરપિંડી કેસમાં સજાને આપી પડકાર...

5 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ મહારાષ્ટ્રના રમતગમત પ્રધાન અને એનસીપી નેતા માણિકરાવ કોકાટેએ આજે ૧૯૯૫ના છેતરપિંડી કેસમાં તેમને દોષિત ઠરાવતા કરવામાં આવેલી બે વર્ષની જેલની સજાને પડકારતા બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે.

કોકાટેના વકીલ અનિકેત નિકમે જસ્ટિસ આર. એન. લદ્દાની સિંગલ બેન્ચ સમક્ષ અરજીનો ઉલ્લેખ કરીને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. કોર્ટે સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે. જોકે, નિકમે બુધવારે દોષિત ઠેરવવા પર રોક લગાવવાની માંગ કરી નથી, તેથી તે અંગે કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો નથી.

તેમણે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે નાશિક સેશન્સ કોર્ટે, મેજિસ્ટ્રેટ કોર્ટના દોષિત ઠેરવવાના આદેશને સમર્થન આપ્યું છે, તેથી કોકાટે પ્રધાનપદ ગુમાવી શકે છે. નાશિક કોર્ટે, આ વર્ષે 20 ફેબ્રુઆરીના નીચલી કોર્ટના આદેશને સમર્થન આપતા મંગળવારે નોંધ્યું હતું કે પ્રધાન "સમૃદ્ધ" ખેડૂત હતા.

દોષિત ઠેરવ્યા પછી કોકાટેના ધારાસભ્ય તરીકેના દરજ્જા વિશે પૂછવામાં આવતા, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બુધવારે કહ્યું કે તેમને હજુ સુધી કોર્ટના આદેશની પ્રમાણિત નકલ મળી નથી.

આ વર્ષે 20 ફેબ્રુઆરીના મેજિસ્ટ્રેટ કોર્ટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા કોકાટે અને તેમના ભાઈ વિજય કોકાટેને દોષિત ઠેરવ્યા હતા. રાજ્ય સરકારના ક્વોટા હેઠળ ફ્લેટ મેળવવા માટે નકલી દસ્તાવેજો રજૂ કરવાના કેસમાં આ બંનેને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.  તેમની અપીલ પર, સેશન્સ કોર્ટે 5 માર્ચે તેમની સજા પર સ્ટે આપ્યો હતો. નાશિક જિલ્લા અને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પી.એમ. બદરે મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મંત્રી કોકાટેને આપવામાં આવેલી જેલની સજાને સમર્થન આપ્યું હતું. 

આ કેસ 1989 અને 1992 વચ્ચેના સમયગાળાનો છે, જ્યારે રાજ્ય સરકારે વાર્ષિક 30,000 રૂપિયા સુધીની આવક ધરાવતા  જરૂરિયાતમંદ લોકો માટે અનામત આવાસ યોજના શરૂ કરી હતી. બંને ભાઈઓએ ખોટું સોગંદનામું રજૂ કરીને જાહેર કર્યું હતું કે તેમની આવક આ મર્યાદાથી ઓછી છે. ત્યારબાદ તેમને ૧૯૯૪માં નાશિકના વિસે માલા વિસ્તારમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા.

સેશન્સ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી), ૪૬૫ (બનાવટી), ૪૬૮ (છેતરપિંડી કરવાના હેતુથી બનાવટ) અને ૪૭૧ (ખોટા દસ્તાવેજનો અપ્રમાણિકપણે ઉપયોગ) હેઠળ દોષી ઠેરવ્યા હતા. આરોપીઓને આઇપીસી  કલમ 467 (મૂલ્યવાન દસ્તાવેજની બનાવટ) અને 474 (બનાવટી દસ્તાવેજો રાખવા) હેઠળના ગુનાઓમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
(પીટીઆઈ)