Mon Dec 08 2025

Logo

White Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : સ્ટેજ ફિયર... ક્યુંકી ડર કે આગે જીત હે

3 days ago
Author: Mumbai Samachar Team
Video

શ્વેતા જોષી-અંતાણી 

ફેબ્રુઆરી-માર્ચ મહિનો એટલે પરીક્ષાઓની સાથોસાથ વિવિધ પ્રોગ્રામ્સનો પણ મહિનો. અનેક શાળાઓમાં આ સમય દરમિયાન એક તરફ પરીક્ષાની તૈયારી ચાલતી હોય, તો બીજી તરફ ચાલુ હોય છે અવનવા કાર્યક્રમો. વાર્ષિક ઉત્સવો, એન્યુઅલ ફંક્શન્સ, પ્રોજેક્ટ સબમિશનને એવું નાનું-મોટું કંઈકને કંઈક ચાલ્યા કરે.

શ્રીજાની સ્કૂલમાં પણ શૈક્ષણિક વર્ષ પૂરૂં થવાની તૈયારીઓ પુરજોશમાં ચાલતી હતી. જોકે આ વર્ષે શ્રીજાના મનમાં જો સૌથી મોટો ડાયલેમા-અવઢવ  હોય તો, એ હતી ડિબેટ ચેમ્પિયનશિપ.

એમાં ઇશાનના રેફરન્સ થકી એનું નામ પસંદ થયેલું. આમ તો ડિબેટ ટીમનો ભાગ હોવો એ સ્કૂલમાં બહુ સન્માનીય વાત ગણાતી. એટલે ઈશાનને એમ હતું કે, શ્રીજા અત્યંત ખુશ થઈ ઊઠશે. જોકે એવું કશું થયું નહીં. શ્રીજા માટે ઈશાન સાથે પ્રોજેક્ટ કરવો એક વાત હતી અને સખ્ત હેન્ડસમ અને પોતાની લાઈફના ફર્સ્ટ ક્રશ એવા ઈશાન સાથે દલીલબાજી કરવી એ અલગ વાત હતી. 

બીજું કે આમ જાહેરમાં મંચ પર તડાફડી બોલાવવી એ એના બસની વાત જ નહોતી. નાનપણથી જ માઇક સામે ઊભું રહેવું એટલે શ્રીજા માટે હૃદય  ફાટીને બહાર આવી જાય એવી ઘટના... શ્રીજાને કાળી રાત્રે ભૂતનો ય ડર લાગે નહીં, પણ માઈક સામે થથરી ઊઠે... એમ એની મમ્મી  સ્વાતિ ઘણીવાર કહેતી. અને વાત દર વખતે હસવામાં વહી જતી.

શ્રીજા માફક અનેક ટીનેજર્સમાં આ પ્રકારનો સ્ટેજ ફિયર જોવા મળતો હોય છે. જે એડલ્ટ થતાં સુધીમાં તો વ્યવસ્થિત વકરી જતો જોવા મળે એટલે જ આપણામાંથી અમુક લોકોને કોઈની સામે ઊભા થઈને બોલવું કે ચાર માણસની વચ્ચે પોતાની વાત મૂકવી એ બહુ અઘરૂં અને અશક્ય લાગતું હોય છે. જાણે મૃત્યુદંડ અપાય ગયો હોય એમ. બસ, આ સ્ટેજ ફિયરનો ભોગ શ્રીજા પણ બનેલી છે.

સામાન્ય સંજોગોમાં શ્રીજા આવી કોઈ પણ સ્પર્ધાઓમાં ભાગ લેવાથી જાતને દૂર રાખતી,પરંતુ  અહીં તો વાત હતી ઈશાનની એટલે શ્રીજા કોઈ પણ ભોગે ના પાડવા માંગતી નહોતી અને ત્યાં જ સૌથી મોટી ગૂંચ પડી. ના પાડવી નથી ને હા પાડવાની હિંમત નથી.

હવે કરવું શું?

વર્ષોથી એજ સ્કૂલમાં ભણતી શ્રીજા પોતાના મિત્રો સાથે હસમુખી અને ઘર પર બહુ જ બોલકણી, પરંતુ એની બધી હિંમત ગાયબ થઈ જતી જ્યારે ક્લાસમાં કોઈ પ્રોજેક્ટ રજૂ કરવાનું કહેવામાં આવે કે વાર્ષિકોત્સવનું રિહર્સલ ચાલે ત્યારે શ્રીજાના ધબકારા વધી જતાં.

હાથમાં પસીનો વળી જતો અને ગળામાં જાણે કોઈ ગાંઠ બાંધી દીધી હોય એવો અહેસાસ થતો. સ્કૂલમાં ઈશાન હમણાંજ આવેલો એટલે આ વાતથી અજાણ હતો અને શ્રીજા એને જણાવવા માગતી નહોતી. આખરે બોલવામાં મહારથી એવા ઈશાન પાસે કન્ફેસ કરવું એ આપઘાત સમાન હતું. સેલ્ફ ડિસ્ટ્રકશન, સબોટેજ ઓફ ફિલિંગ્સ એટલે કે લાગણીઓનો કચ્ચરઘાણ.

શ્રીજા બૌદ્ધિક રીતે બહુ ધારદાર હતી, પણ સ્ટેજ પર આવવા જતા જ જાણે એની અંદરનો સ્વિચ `ઓફ' થઈ જાય. એટલે આજે ડિબેટ ટીમ સિલેક્શન પછી ઈશાન ઉત્સાહમાં ગરક થયો ને શ્રીજા ચિંતામાં.

ઘેર પહોંચી, બેગ મૂકી એ સીધી પોતાના રૂમમાં ગઈ. સ્વાતિને ક્ષણભર થયું કે આજે બેન આટલા શાંત કેમ હશે? જમવા વખતે વાત એમ વિચારી એ કામે વળગી. રાત્રે એણે પ્રેમથી પૂછ્યું, `બેટા, શું થયું?' થોડું સંકોચાયા પછી શ્રીજાએ બધું કહી નાખ્યું. આખી વાત ધ્યાનથી સાંભળ્યા પછી પપ્પાએ કહ્યું, `સ્ટેજ  ફિયર કોઈ શરમાવાની વસ્તુ નથી.' અને એને એક નાની ટિપ આપી: `જો  સાંભળ, તારે જે બોલવું છે એ સ્પીચ તૈયાર કરી પહેલા અરીસા સામે બોલવાની પ્રેક્ટિસ કર. તારી જાતને પહેલો પ્રેક્ષક બનાવ.'

બીજા દિવસે શ્રીજાએ પપ્પાની સલાહને અમલમાં મૂકી. દર્પણ સમક્ષ બોલવાનો પ્રયાસ કર્યો. પહેલા તો શબ્દો ગળામાં અટવાયા, પણ  ધીમે-ધીમે સરળ થતું ગયું. સ્વાતિએ એના વખાણ કર્યા, `વાહ! હવે તું અમારી સામે પ્રેક્ટિસ કર. સ્કૂલમાં ઈશાનની મદદ લે. એને સાચું કહી દે કે તું એના જેટલી ધારદાર સ્પીકર નથી. આથી, એને પણ તારી મર્યાદાને ધ્યાનમાં રાખી તૈયારી કરવાનો ખ્યાલ આવે.'

ટીનએજમાં તમારી નબળાઈઓ સ્વીકારશો તો જ એને દૂર કરવાના પ્રયત્ન થઈ શકશે ને? સ્વાતિની વાતે શ્રીજામાં હિંમતનો સંચાર કર્યો. એણે ઈશાનને કહ્યું. ઈશાન શરૂઆતમાં થોડો ખચકાયો કે ક્યાંક એની ટીમ હારે નહીં, પણ અંતે એણે શ્રીજાને પ્રેક્ટિસ કરાવવાની શરૂ કરી.

કાર્યક્રમના દિવસે  ઓડિટોરિયમ ધીરે-ધીરે ભરાવા લાગ્યું. સ્ટેજ પર ચમકતી લાઇટ્સ, સામે બેસેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો,  મહામાનો અને આગંતુકો, પ્રતિસ્પર્ધીઓ આ બધું જોઈ શ્રીજા થોડી નર્વસ થઈ ઊઠી. એણે આંખો મીંચી ને પપ્પાના શબ્દો યાદ કર્યા : 

`બહાદુર એ છે જે ડરની સામે ઊભું રહે.'

ડિબેટ શરૂ થઈ. પ્રથમ સ્પીકર ઈશાન પોતાની ઓપનિંગ સ્પીચમાં જ છવાય ગયો. સામસામે મોશન્સ રજૂ થયાં, દલીલો થઈ, ડિફેન્સ-

ઓફેન્સની જુગલબંધીમાં માહોલ જોરદાર જામ્યો.

શ્રીજાનું નામ જાહેર થયું. ધીમા પગલે સ્ટેજ તરફ આગળ વધી. માઇક સામે ઊભા રહેતાં જ ક્ષણભર બધું બ્લેન્ક થઈ ગયું. એની નજર ઈશાન પર પડી. ઈશાનના ચહેરા પર અધીરાઈ હતી, શ્રીજા તરફનો આત્મભાવ હતો, જીત મેળવવાનું ઝનૂન હતું.

શ્રીજાએ ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યુ. પાછળની હરોળમાં એને બે ચહેરા દેખાયા, એના પેરેન્ટ્સ સ્વાતિ અને સમીર. એમની આંખોમાં સ્ષષ્ટ વંચાતુ હતું, "We believe in you." તે ક્ષણે શ્રીજાની અંદરના બધા ડર ઓગળી ગયા.

એ બોલી. સ્પષ્ટ શબ્દો અને સમજૂતી સાથે. આત્મવિશ્વાસ અને અનન્ય હિંમત સાથે. એણે ગોખેલી દલીલો ના કરી, પણ એની  બુદ્ધિક્ષમતાનો ત્વરિત પરિચય મળે એમ મુદ્દાઓ રજૂ કર્યા.

શ્રીજાની સ્પીચ પૂરી થઈ. હજુ સામે પક્ષે બોલવાનું ચાલુ હતું, પણ એને ખ્યાલ આવી ગયો કે, પોતે કરી બતાવ્યું. આગળ બેસેલા નિર્ણાયકોના હાવભાવ પરથી, પ્રિન્સિપલ મેમના સ્મિત પરથી,  ઈશાનના ઉત્સાહ પરથી, મમ્મીની આંખના આંસુઓ અને પપ્પાએ ઊંચા કરેલા `થમ્બસ અપ'  પરથી. એને ખ્યાલ આવી ગયો કે એ  એના ડર સામે જીતી ગઈ છે. સ્ટેજ ફિયરને એ સ્ટેજ પરથી ગબડાવી ચૂકી છે. અને પોતે ફિયરલેસ જિંદગી તરફ ડગ માંડી દીધાં છે.