ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના લોકો અત્યારે ભારે પરેશાની ભોગવી રહ્યાં છે, તેમાં પાકિસ્તાન બીજા દેશો સાથે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ કરી રહ્યું છે. ફરી એકવાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર તણાવ વધ્યો છે. ગઈ કાલે રાત્રે બંને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. જો કે, આમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પાકિસ્તાન પોતાના નાપાક હરકતો છોડતું નથી તેના કારણે પાક નાગરિકોને પણ હેરાન થવું પડી રહ્યું છે. બે મહિના પહેલા જ બંને દેશોએ યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. પરંતુ ગઈકાલે ફાયરિંગ થતા યુદ્ધવિરામનો ભંગ થયો છે. જેથી બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
બંને દેશોએ ફાયરિંગ માટે એકબીજા પર આક્ષેપો લગાવ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બંને દેશોએ આ યુદ્ધવિરામ ભંગ માટે એકબીજા પર આક્ષેપો લગાવ્યાં છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને પાકિસ્તાનના પહેલા ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ એટલે કે સીડીએફ બનાવામાં આવ્યાં છે. એટલે હવે પાકિસ્તાનમાં આસિમ મુનીરની ધરપકડ થઈ શકે નહીં. આ યુદ્ધવિરામનો ભંગ થયો તેમાં આ પણ એક કારણ હોઈ શકે છે.
ચમન બોર્ડર ક્રોસિંગ થયું ફાયરિંગ
આ મામલે પાકિસ્તાને દાવો કર્યો છે કે, પહેલા અફઘાનિસ્તાની સૈનિકોએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેથી ચમન બોર્ડર ક્રોસિંગ પર પાકિસ્તાની સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો. વધુમાં પાકિસ્તાનના વડાપ્રધાનની પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાની સેના સંપૂર્ણ રીતે એલર્ટ છે. દેશની અખંડિતતા અને નાગિકોની સુરક્ષા માટે પાક સેના હંમેશા કાર્યરત રહે છે. સ્વાભાવિક છે કે, ચમન બોર્ડર ક્રોસિંગ પાકિસ્તાન માટે મહત્વનો બોર્ડર માનવામાં આવે છે. અહીં ફાયરિંગ થયું હોવાના કારણે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
કાબુલ બ્લાસ્ટ બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ
આ સાથે અફઘાનિસ્તાને દાવો પ્રમાણે પાકિસ્તાન દ્વારા પહેલા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનના પ્રવક્તાનું કહેવું છે કે, પાકિસ્તાને પહેલા ફાયરિંગ કર્યું એટલા માટે ઇસ્લામિક અમીરાત દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં અત્યારે તાલિબાનનું શાસન છે, તેઓ પોતાના પ્રશાસનને ઇસ્લામિક અમીરાત કહે છે. આ પહેલા ઓક્ટોબરમાં થયેલા ગોળીબારમાં સામાન્ય લોકોનું પણ મોત થયું હતું. આ સાતે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયાં હતાં. 9 ઓક્ટોબરે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર બ્લાસ્ટ થયો તેમાં તાલિબાન સરકારે પાકિસ્તાને આરોપી ગણાવ્યું હતું. જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.