Thu Jan 01 2026

Logo

White Logo

મુંબઈના વિશ્વવિખ્યાત ડબ્બાવાળા : ચૂંટણીમાં કોને સમર્થન આપશે?

3 days ago
Author: Mumbai Samachar Team
Video

મુંબઈઃ શહેરની ઓળખ ગણાતા અને જેમની કાર્યપદ્ધતિ જોવા-સમજવા વિશ્વભરમાંથી અભ્યાસુઓ આવે છે. જેમની પદ્ધતિની ચર્ચા મેનેજમેન્ટ કોલેજમાં પણ થાય છે તેવા, મુંબઈના ડબ્બાવાળાના સંગઠને પણ આ વખતની મુંબઈ મહાનગર પાલિકામાં ચૂંટણીમાં તેઓ કોને સમર્થન આપશે તેની ઘોષણા કરી છે. 

ડબ્બાવાળા એસોસિએશનના પ્રમુખ સુભાષ તલેકરે જણાવ્યું હતું કે 2017માં ઉદ્ધવ ઠાકરેએ ડબ્બાવાળાઓને અનેક વચનો આપ્યા હતાં, પરંતુ એક પણ પૂર્ણ કરવામાં આવ્યા નહોતા, જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડબ્બાવાળાઓની ઘણી માંગણીઓ પૂર્ણ કરી છે.

ડબ્બાવાળા એસોસિએશને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ફડણવીસે દરેક સમસ્યામાં તેમનો સાથ આપ્યો હતો. તેથી, બધા ડબ્બાવાળા એસોસિએશનના સભ્યો બીએમસી ચૂંટણીમાં મહાયુતિને ટેકો આપશે. મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમ ડબ્બાવાળા સંગઠનના પ્રમુખ સુભાષ તલેકરને મળ્યા અને તેમનો આભાર માન્યો હતો.

મુંબઈના ડબ્બાવાળા એસોસિએશન (સત્તાવાર રીતે નૂતન મુંબઈ ટિફિન બોક્સ સપ્લાયર્સ એસોસિએશન તરીકે ઓળખાય છે) એક અનોખી અને વિશ્વ વિખ્યાત સંસ્થા છે. તે લગભગ 130 વર્ષ જૂની પરંપરા પર આધારિત છે, જેમાં લગભગ 5,000 ડબ્બાવાળા મુંબઈના ઓફિસ કર્મચારીઓને દરરોજ 2 લાખથી વધુ ટિફિન (ડબ્બા) ઘેર ઘેર પહોંચાડે છે અને ખાલી ડબ્બા પરત કરે છે.