મુંબઈ: આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સત્તા પર આવતા રોકવા માટે અન્ય પક્ષો દ્વારા દરેક પ્રકારની તાકાત લગાડવામાં આવી છે, જેમાં અત્યાર સુધી એકબીજાની વિરુદ્ધ લડનારા પક્ષો પણ એક થઈ ગયા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે, તેમાં હવે વિરારમાં પણ ભાજપને સત્તા પર આવતી રોકવા માટે રાજ ઠાકરેની મનસે અને વસઈ-વિરારમાં વર્ષોથી પોતાનું શાસન ચલાવનારા હિતેન્દ્ર ઠાકુરની બહુજન વિકાસ આઘાડીએ સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
મુંબઈ સહિત અન્ય શહેરોમાં ઠાકરે ભાઈઓએ સાથે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ જોકે વસઈ-વિરારમાં પણ તેઓ સાથે લડશે એવું જણાતું હતું. જોકે વસઈ-વિરાર મહાપાલિકામાં રાજ ઠાકરેની મનસે હિતેન્દ્ર ઠાકુરના બહુજન વિકાસ આઘાડી સાથે ચૂંટણી લડવાની છે. મનસેના ઉમેદવાર બહુજન વિકાસ આઘાડીની ચૂંટણી ચિહ્ન સિટી પર ચૂંટણી લડવાના છે. તો અહીં ઉદ્ધવની ઠાકરેએ યુતિ નહીં કરતા સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
થોડા દિવસ અગાઉ જ ઠાકરે ભાઈઓએ ચૂંટણી સાથે લડવાની જાહેરાત કરી હતી, તેથી રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ સાથે લડશે એવું માનવામાં આવતું હતું. જોકે વસઈ-વિરારમાં બંને ઠાકરે ભાઈઓ અલગ-અલગ ચૂંટણી લડવાના છે.
મનસેના ઉમેદવાર બહુજન વિકાસ આઘાડીના ચૂંટણી ચિહ્ન પર લડવાના હોવા બાબતે પક્ષના પ્રવક્તાએ ક્હ્યું હતું તેમના ઉમેદવાર ચૂંટણી જીતી જતા હોય તો તેમની માટે ચિહ્ન મહત્ત્વનું નથી.
નોંધનીય છે કે વસઈ-વિરાર મહાનગરપાલિકામાં ૨૯ વોર્ડ હોઈ ૧૧૫ સભ્ય સંખ્યા છે. તેમાંથી ૫૮ જગ્યા મહિલા માટે અનામત રાખવામાં આવી છે. તો ૫૭ જગ્યા જનરલ શ્રેણી માટે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પાંચ-પાંચ અનામત રાખવામાં આવી છે, જેમાં બે-બે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
વસઈ-વિરાર મહાનગરપાલિકામાં કુલ ૧૧૫ બેઠક છે, જેમાં બહુજન વિકાસ આઘાડી પાસે ૧૦૬ બેઠક, ભાજપ પાસે એક બેઠક છે. કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાસે એક પણ બેઠક જીતી નહોતી.