નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પેઇન કિલર દવા નિમેસુલાઈડથી આરોગ્યને થતા નુકસાનના પગલે પ્રતિબંધ મૂક્યો છે. જેમાં હવે 100 મિલિગ્રામથી વધુ ધરાવતી નિમસુલાઇડ ગોળીઓના ઉત્પાદન વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ 26A હેઠળ લેવામાં આવ્યો છે. તેમજ પેઇન કિલર તરીકે અન્ય દવાઓ પણ ઉપલબ્ધ છે.
નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા
આ અંગે આરોગ્ય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું હતું કે 100 મિલિગ્રામથી વધુ માત્રામાં નિમેસુલાઈડ વ્યક્તિના આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. તે એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા છે જે લીવર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ દવાની ઝેરી અસર અને અન્ય આડઅસરો અંગે વિશ્વભરમાં તપાસ ચાલી રહી છે. ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની સલાહને પગલે સરકારે આ દવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. નિમેસુલાઈડ હવે તાત્કાલિક અસરથી દેશભરમાં પ્રતિબંધિત છે.
લીવર અને કિડની પર પ્રતિકૂળ અસર
આરોગ્ય મંત્રાલયે પેઇન કિલર્સના વ્યક્તિના આરોગ્ય પરના જોખમોને ધ્યાનમાં રાખીને અને લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ ન રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભર્યું છે. પેઇન કિલર્સના ભારે ડોઝ લેવાથી લીવર અને કિડની પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ડોકટરો પેઇન કિલરનો ઉપયોગ ઓછો કરવાની ભલામણ કરે છે. તેમજ હંમેશા ડૉક્ટરની સલાહ લીધા પછી જ પેઇન કિલર લેવી જોઈએ.