Thu Jan 01 2026

Logo

White Logo

રતન ટાટાની આજે 88મી જન્મ જયંતી, : જાણો તેમની સાથે જોડાયેલી મહત્વની બાબતો

3 days ago
Author: Chandrakant Kanoja
Video

મુંબઈ : દેશના દિવંગત જાણીતા ઉદ્યોગપતિ પદ્મ વિભૂષણ "રતન ટાટા"ની આજે 88મી જન્મ જયંતી છે. ત્યારે તેમને આજે ઉદ્યોગ જગતથી લઈને અનેક રાજનેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં એક પારસી કુટુંબમાં થયો હતો. જયારે તેમનું નિધન 9 ઓક્ટોબર 2024ના રોજ થયું હતું. તેમનું જીવન હંમેશા લોકો અને ઉદ્યોગ જગતના આવતા લોકો માટે પ્રેરણા બની રહ્યું છે. 

રતન ટાટાની જન્મ જયંતિ પર ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બોમ્બે હાઉસ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપતા એક ભાવનાત્મક સંદેશ લખ્યો, જેમાં કહ્યું, "જન્મદિવસની શુભકામનાઓ, શ્રી ટાટા. આજે અને હંમેશા તમારી યાદ આવે છે.

તેમનો વારસો આત્મનિર્ભર ભારતને પ્રેરણા આપશે : અમિત શાહ 

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રતન ટાટાને યાદ કર્યા હતા અને  લખ્યું કે, તેમણે પ્રામાણિકતા અને કરુણાથી ભારતીય ઉદ્યોગને નવો આકાર આપ્યો. સ્વદેશી ઉદ્યોગના નિર્માણથી લઈને નિઃસ્વાર્થ પરોપકાર સુધી તેમણે દર્શાવ્યું કે સાચી સફળતા રાષ્ટ્રની સેવામાં રહેલી છે. તેમનો વારસો આત્મનિર્ભર ભારતને પ્રેરણા આપશે.

વૈશ્વિક મંચ પર ભારતીય સમૂહને મજબૂતીથી સ્થાપિત કર્યું

રતન ટાટાની પ્રામાણિકતા, સમાજસેવા અને દેશના લોકોને સસ્તી અને સારી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાની વિચારસરણીએ રતન ટાટાને ભારતના સપૂત બનાવ્યા. ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ વિશ્વની ઘણી હાઈ-પ્રોફાઈલ કંપનીઓને હસ્તગત કરીને વૈશ્વિક મંચ પર વિશાળ ભારતીય સમૂહને મજબૂતીથી સ્થાપિત કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, 28  ડિસેમ્બર 1937 ના રોજ એક પારસી પરિવારમાં જન્મેલા રતન ટાટાનું બાળપણ મુશ્કેલીમાં વીત્યું હતું. વર્ષ  1948  માં તેમના માતાપિતા અલગ થઈ ગયા અને તેમનો ઉછેર તેમના દાદી, નવજબાઈ ટાટા દ્વારા થયો હતો. જેમાં શરૂઆતના શિક્ષણ બાદ રતન ટાટા વધુ અભ્યાસ માટે યુનાઇટેડ સ્ટેટ્સની કોર્નેલ યુનિવર્સિટી ગયા અને બી.આર્કની ડિગ્રી મેળવી હતી. તેમજ અમેરિકાના લોસ એન્જલસમાં જોન્સ એન્ડ એમન્સમાં બે વર્ષ કામ કર્યું. જોકે, વર્ષ 1962 માં રતન ટાટાએ કૌટુંબિક વ્યવસાય છોડી દીધો અને તેમની દાદીની ખરાબ તબિયતને કારણે ભારત પાછા ફર્યા.

વર્ષ  1991 માં ટાટા ગ્રુપનો હવાલો સંભાળ્યો

ભારત પાછા ફર્યા પછી રતન ટાટાએ તેમના કૌટુંબિક વ્યવસાયને સંભાળવા કરતા એક કર્મચારી તરીકે તેમની પોતાની કંપની ટાટા સ્ટીલની જટિલતાઓ શીખ્યા હતા. તેમજ  ટાટા સ્ટીલમાં જ્યાં તેમના પરિવારના સભ્યો માલિક હતા રતન ટાટાએ ભઠ્ઠીઓમાં ચૂનાના પથ્થર લોડ કરવા જેવા કાર્યો પણ કર્યા. વર્ષ  1991 માં તેમણે તેમના કૌટુંબિક વ્યવસાય  ટાટા ગ્રુપનો હવાલો સંભાળ્યો હતો. 

કંપનીમાં ગ્રુપના ચેરમેન તરીકે 20  વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું

રતન ટાટાએ આ કંપનીમાં ગ્રુપના ચેરમેન તરીકે 20 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું. ટાટા ગ્રુપની કંપનીનો પાયો વર્ષ 1868માં જ નાખવામાં આવ્યો હતો. હાલમાં આ કંપની વિશ્વના 100 થી વધુ દેશોમાં પોતાનો બિઝનેસ કરી રહી છે. ટાટા ગ્રુપનો બિઝનેસ મીઠાથી લઈને એરોપ્લેન સુધી વિસ્તરેલો છે. સમગ્ર વિશ્વમાં ટાટા ગ્રુપની 150 થી વધુ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે, જેણે ભારતને વૈશ્વિક સ્તરે એક અલગ ઓળખ અપાવી છે.

ટાટાની મુખ્ય કંપનીઓ  શેરબજારમાં લિસ્ટેડ

ટાટાની મુખ્ય કંપનીઓ જે શેરબજારમાં લિસ્ટેડ છે તેમાં ટીસીએસ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાઇટન કંપની, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા ઇન્ડિયન હોટેલ્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા કોમ્યુનિકેશન, વોલ્ટાસ લિમિટેડ, ટિરન્ટ લિમિટેડ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા એલેકસી, નેલ્કો લીમટેડ, ટાટા ટેક, રેલીસ ઇન્ડિયા વગેરેનો સમાવેશ થાય છે. રતન ટાટા 1991 થી 2012 સુધી ટાટા જૂથના વડા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે પોતાની તમામ કંપનીઓને નફાકારક બનાવી હતી.

રતન ટાટા ડોગ લવર તરીકે પણ જાણીતા હતા

સ્વર્ગસ્થ રતન ટાટા ડોગ લવર તરીકે પણ જાણીતા હતા. તેઓ સોશિયલ મીડિયા પર રખડતા શ્વાનની સલામતી અંગે સતત જાગૃતિ ફેલાવતા હતા. રતન ટાટાનો ડ્રીમ પ્રોજેક્ટ દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં  98,000 ચોરસ ફૂટમાં પાંચ માળના પશુચિકિત્સા હોસ્પિટલ તરીકે સ્થિત છે.