Thu Jan 01 2026

Logo

White Logo

"ગુજરાતમાં સરકાર નહીં, સર્કસ ચાલી રહ્યું છે": : ચૈતર વસાવાનો સત્તા પક્ષ પર આકરો પ્રહાર!

3 weeks ago
Author: Devayat Khatana
Video

chaitar vasava, aam aadmi party, surat, magrol, bjp, gujarat, gujarat govt, politics


માંગરોળ: આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના માંગરોળના ઝંખવાવ ખાતે AAPની એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્થાનિકોએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ જનસભામાં AAPના સહિત મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનું આયોજન 'ગુજરાત જોડો' અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેમાં ચૈતર વસાવાએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.

ગુજરાતમાં સરકાર નહીં, પરંતુ સર્કસ..... 
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, "ગુજરાતમાં સરકાર નહીં, પરંતુ સર્કસ ચાલી રહ્યું છે." તેમણે ઉમેર્યું હતું કે વારંવાર મંત્રીઓ અને તંત્રમાં બદલાવ થઈ રહ્યા છે, જેનાથી ગુજરાતની જનતા તંગ આવી ગઈ છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દિલ્હીથી તેમના 'રિંગ માસ્ટર્સ'ના કહેવા પર કેટલાક અધિકારીઓ અને પોલીસકર્મીઓ AC ચેમ્બરમાં બેસીને સમગ્ર સિસ્ટમનું સંચાલન કરી રહ્યા છે. તેમણે આ શાસન પ્રણાલીની સરખામણી સર્કસ સાથે કરીને સરકારની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવ્યા હતા.

શરમ કે સબંધ વિના ચૂંટણીમાં ઝંપલાવો
આ સાથે જ તેમણે માંગરોળના જંખવાવ ખાતે આમ આદમી પાર્ટીની "ગુજરાત જોડો" જનસભાને સંબોધન કરી હતી અને આ દરમિયાન તેમણે ભાજપના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જ્યારે આદિવાસીઓ, એસસી કે ઓબીસીના હક વિષે બોલવાનું થાય કે તેમના માટે અવાજ ઉઠાવવાનું  થાય ત્યારે ભાજપના નેતાઓ બહાર આવતા નથી. તેઓને માત્ર પોતાની ટિકિટની પડી છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કોઇપણની શરમ કે સબંધ રાખ્યા વિના આગામી ચૂંટણીમાં ઝંપલાવવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે  આપણે સાથે મળીને રાજકારણમાં ઝંપલાવીને ભાજપને સરકારમાંથી દૂર કરી દેવાની છે.