બેંગ્લુરુ: કર્ણાટકાના બેંગ્લુરુમાં ફિનિક્સ મોલ ઓફ એશિયા (Phoenix Mall of Asia) બહાર ભયાનક રોડ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેઝ ઝડપે ચાલતી કાર અચાનક બેકાબુ થઈ ગઈ અને ફૂટપાથ પર ચઢીને રાહગીરોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટના મોલ બહાર લગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઘાયલોને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કારચાલકે પહેલા કાર પરથી કંટ્રોલ ગુમાવ્યો અને પછી સીધી ફૂટપાથ તરફ વળી ગઈ હતી, જેના કારણે ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે રહેલા લોકો અને નજીકના રહેવાસીઓએ તરત જ ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. સાત લોકો ઘાયલ થયા તેમાં એક કિશોર પણ સામેલ છે, જેની હાલત અત્યારે ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કાર કેવી રીતે ફૂટપાથ પર ચઢે છે અને લોકોને અડફેટે લઈને ચાલે છે.
કારચાલક દારૂના નશામાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું
અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આપેલી વિગતો પ્રમાણે આ ઘટના કાર ચાલકની લાપરવાહીનું પરિણામ છે. એટલું જ નહીં પરંતુ કાર ડ્રાઈવર દારૂના નશામાં હોવાની શક્યતા પર પણ તપાસ ચાલી રહી છે. પોલીસ ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને કાર કબ્જે લઈ લીધી છે અને ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહાદેવપુરા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો
બેંગ્લુરુમાં આવેલો આ મોલ બેંગ્લુરુનું એક મોટું શોપિંગ ડેસ્ટિનેશન છે, જ્યાં રોજ હજારો લોકો આવે છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે. પોલીસે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. આવી ઘટનાઓથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિક સુરક્ષા પર અનેક પ્રશ્નો ઉભા થયા છે, આ કેસમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે.