Thu Jan 01 2026

Logo

White Logo

એર ઈન્ડિયાના પાઇલટને કેનેડામાં ફ્લાઈટમાંથી ઉતારી દેવાયો: : જાણો શું છે સમગ્ર મામલો

2 hours ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હીઃ કેનેડાના વાનકુવરમાં ગત ૨૩ ડિસેમ્બરના રોજ ટેકઓફ પહેલા એર ઇન્ડિયાના એક પાઇલટને કેનેડિયન અધિકારીઓએ પાઇલટની ફરજ માટે ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરીને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. આ વાતની ટાટાની માલિકીની એર ઇન્ડિયાએ પુષ્ટી કરી હતી.

આ બનાવને કારણે વાનકુવરથી દિલ્હી જતી ફ્લાઇટ એઆઇ૧૮૬માં મુસાફરી કરતાં યાત્રીઓ મોડા પડ્યા હતા. એક મીડિયા અહેવાલ અનુસાર વાનકુવર એરપોર્ટ પર એક સ્ટાફ મેમ્બરે પાઇલટને દારૂ પીતા કે દારૂ ખરીદતા જોયો હતો. ત્યારબાદ તે કર્મચારીએ 'દારૂની ગંધ'ને ટાંકીને અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરિણામ સ્વરૂપ બ્રેથલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પાઇલટ નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે તેને ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો.

જો કે એર ઇન્ડિયાએ પાઇલટને દારૂ પીધેલી હાલતમાં ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી નથી. પરંતુ એરલાઇને કહ્યું કે ક્રૂ મેમ્બરને વધુ તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો અને ફ્લાઇટ માટે વૈકલ્પિક પાઇલટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના વાનકુવરથી દિલ્હી જતી ફ્લાઇટ એઆઇ૧૮૬ છેલ્લી ઘડીએ મોડી પડી હતી. કારણ કે ટેકઓફ પહેલા કોકપીટ ક્રૂના એક સભ્યને દૂર કરવામાં આવ્યો હતો. કેનેડિયન અધિકારીઓએ પાઇલટની ફરજ માટે ફિટનેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 

ત્યાર બાદ ક્રૂ મેમ્બરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ફ્લાઇટના સંચાલન માટે એક વૈકલ્પિક પાઇલટની નિમણૂંક કરવામાં આવી હતી. જેના કારણે વિલંબ થયો હતો.