Thu Jan 01 2026

Logo

White Logo

અમદાવાદમાં ફનબ્લાસ્ટની મુલાકાત દરમિયાન : બાળકોની સાથે બાળક બન્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ, વાયરલ થઈ તસવીરો...

4 days ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફનબ્લાસ્ટની મુલાકાત કરી લીધી હતી. જેથી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું કે, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના બાળકો માટે ખુબ સુંદર અને સંવેદનાપૂર્ણ પહેલ શરૂ કરી છે, ‘રમશે બાળક, ખીલશે બાળક’. આ પહેલ અંતર્ગત, આંગણવાડીઓના બાળકોને રમકડાઓનું વિતરણ તેમજ તેમની સાથે મનોરંજન પ્રવાસ કરવામાં આવે છે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલ બાળકોની સાથે રમતા જોવા મળ્યાં

સીએમ ભૂપેન્દ્ર પટેલે મનોરંજન પ્રવાસ અંતર્ગત બાળકોની સાથે અમદાવાદમાં ફનબ્લાસ્ટની મુલાકાત કરી લીધી હતી. બાળકોની સાથે રમવામાં અને મજાની વાતો કરવામાં સમય તો જાણે ક્યાં વીતી ગયો તેનો જ ખ્યાલ ન આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ અહીં સીએમ ભૂપેન્દ્ર પટલ ખૂદ પણ હળવાશના મૂડમાં બાળકો સાથે બાળક થયેલા જોવા મળ્યાં હતાં. 

બાળકોની કાલીઘેલી ભાષાના સીએમ એ કર્યાં વખાણ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, બાળકોની કાલીઘેલી ભાષા.. તેમની આંખોમાં જોવા મળતું વિસ્મય.. દેશ દુનિયા અંગે જાણવાની તેમની જીજ્ઞાસા.. આ અનુભવ મારા માટે અવિસ્મરણીય બની રહેશે. ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો આ પહેલ હેઠળ જુદા જુદા વિસ્તારોમાં જઈ બાળકોના જુના રમકડા એકત્રિત કરીને આંગણવાડીઓના બાળકોને આપવાની સેવા પ્રવૃત્તિ કરે છે. તમારા બાળક ન રમતા હોય તેવા જૂના રમકડા તમે પણ આંગણવાડીના બાળકોને ચોક્કસ આપશો.

વધુમાં કહ્યું કે, આ નાનકડા ફૂલોના મુખ પર જોવા મળતું સ્મિત એ બહુ મોટી મૂડી છે. તેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. બાળક સાથે સમય વિતાવ્યાં બાદ તેમણે આ અનુભવ શેર કર્યો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે અનેક વખત આવા કાર્યક્રમોમાં જતા જોવા મળતા હોય છે. આજે પણ મુલાકાતની તસવીરો વાયરલ થઈ રહી છે.