Wed Jan 07 2026

Logo

White Logo

14 વર્ષના વૈભવ સૂર્યવંશીની 14 સિક્સર, : નવો એશિયન રેકૉર્ડ

3 weeks ago
Author: Ajay Motiwala
Video

દુબઈઃ બિહારનો વૈભવ સૂર્યવંશી (171 રન, 95 બૉલ, 14 સિક્સર, નવ ફોર) માર્ચ મહિનામાં 15 વર્ષનો થશે, પરંતુ 14 વર્ષની ઉંમરે તેણે ઘણી સિદ્ધિઓ મેળવી છે જેમાંની એક અહીં શુક્રવારે અન્ડર-19 એશિયા કપ (Asia cup) વન-ડે ટૂર્નામેન્ટમાં મેળવી જેમાં તેણે એક જ ઇનિંગ્સમાં 14 છગ્ગા (Sixers) ફટકારવાનો નવો એશિયન વિક્રમ નોંધાવ્યો છે.

અન્ડર-19 એશિયા કપમાં અત્યાર સુધી અફઘાનિસ્તાનના દાર્વિશ રસૂલીની 10 સિક્સરનો વિક્રમ હતો. તેણે એ રેકૉર્ડ 2017માં યુએઇ સામે રચ્યો હતો. જોકે વૈભવ સૂર્યવંશીએ શુક્રવારે દુબઈમાં યુએઇ સામેની મૅચમાં 14 સિક્સર ફટકારીને દાર્વિશના રેકૉર્ડને સાવ ઝાંખો પાડી દીધો હતો. 

વૈભવે વધુ એક એશિયન વિક્રમ પણ પોતાના નામે કર્યો છે. અન્ડર-19 એશિયા કપમાં વ્યક્તિગત રીતે એકંદરે બાવીસ છગ્ગા રસૂલીના નામે હતા, પણ વૈભવે એ રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. વૈભવના નામે આ એશિયન સ્પર્ધામાં એકંદરે 26 સિક્સર લખાયેલી છે.

હા, વૈભવ અન્ડર-19માં એક વિક્રમ જરાક માટે ચૂકી ગયો હતો. તેણે શુક્રવારે યુએઇ સામે 171 રન કર્યા હતા જે અન્ડર-19 વન-ડે ફૉર્મેટમાં સેક્નડ હાઇએસ્ટ છે. ભારતના જ અંબાતી રાયુડુએ 2002માં ઇંગ્લૅન્ડ સામેની અન્ડર-19 વન-ડેમાં અણનમ 177 રન કર્યા હતા.

અન્ડર-19 એશિયા કપમાં ભારતે યુએઇને તોતિંગ માર્જિનથી હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા છે, પરંતુ ખરો મુકાબલો રવિવારે થશે જેમાં ભારત અને પાકિસ્તાનની જુનિયર ટીમ વચ્ચે ટક્કર થશે.