અમૂલ દવે
‘આરપાર’ ફિલ્મના ગીતની એક યાદગાર કડી છે :
‘બાબુજી ધીરે ચલના, પ્યાર મેં ઝરા સંભલના, હાં બડે ધોકે હૈ, બડે ધોકે હૈ ઈસ રાહ મેં....!’
જ્યારે પણ ભારત-ચીનના સંદભમાં વાત કરવાની હોય ત્યારે આ ગીતની કડી આપોઆપ યાદ આવી જાય છે. તાજેતરનો અમેરિકાના સંરક્ષણ ખાતા ‘પેન્ટાગોન’નો જે અહેવાલ આવ્યો એ આ ગીત જેવી જ ચેતવણી આપે છે.
એ અહેવાલ માત્ર ચીની સૈન્યની ક્ષમતાનું પ્રદર્શન નથી, પરંતુ તે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક-રાજકીય શતરંજની રમતનું ઊંડું વિશ્લેષણ પૂરું પાડે છે. આ અહેવાલના કેન્દ્રમાં ભારત-ચીન સંબંધોની જટિલતા છે, જે માત્ર સરહદી વિવાદ પૂરતી મર્યાદિત નથી, પણ વૈશ્વિક મહાસત્તા બનવાની ચીનની મહત્ત્વાકાંક્ષા અને તેમાં ભારતની ભૂમિકા પણ ગાઢ રીતે જોડાયેલી છે. ચીનની ભારત પ્રત્યેની વર્તમાન વ્યૂહરચના ‘વ્યૂહાત્મક સંયમ’ અને ‘બહુસ્તરીય ઘેરાબંધી’નું સંમિશ્રણ છે, જેનો મુખ્ય હેતુ અમેરિકાના પ્રભાવશાળી સુરક્ષા માળખામાંથી ભારતને બહાર ખેંચીને એશિયામાં એક ધ્રુવીય વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે.
ચીનની આ રમત સમજવા માટે તેના દ્વિપક્ષીય અભિગમ સમજવો અનિવાર્ય છે.‘પેન્ટાગોન’ સ્પષ્ટ કરે છે કે ચીન હાલમાં ડી-એસ્કેલેશન એટલે કે તણાવ ઘટાડવાની ભાષા બોલી રહ્યું છે. ઓક્ટોબર 2024માં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર થયેલો કરાર અને બ્રિક્સ શિખર પરિષદમાં મોદી-શી મુલાકાત એ ચીનની તે મુત્સદ્દીગીરીનો ભાગ છે. ચીન એવો સંકેત આપવા માગે છે કે જો ભારત અમેરિકાથી અંતર જાળવે તો ચીન તેની સાથે સંબંધો સુધારવા તૈયાર છે.
ચીનનો આર્થિક અને વ્યૂહાત્મક ઉદ્દેશ્ય એ છે કે ભારત-અમેરિકા- ઓસ્ટ્રલિયા જાપાન સંચાલિત ‘ક્વાડ’ જેવી સુરક્ષા વ્યવસ્થામાં ભારતને સક્રિય ભૂમિકા ભજવતા અટકાવવાનો છે. ચીન માટે સૌથી મોટું જોખમ એ છે કે ભારત અમેરિકાના હિંદ-પ્રશાંત વ્યૂહરચનાનું કેન્દ્રબિંદુ બની જાય. જો ભારત તટસ્થ રહે, તો ચીન માટે આખા એશિયામાં પોતાનો પ્રભાવ વિસ્તારવાનું સરળ થઈ જાય છે. જોકે, આ શાંતિપૂર્ણ દેખાતી પહેલની પાછળ એક અત્યંત આક્રમક વ્યૂહરચના છુપાયેલી છે.
ચીન અરુણાચલ પ્રદેશને તેના રાષ્ટ્રીય પુનરુત્થાનના એજન્ડામાં સામેલ કરે છે. તેને ‘દક્ષિણ તિબેટ’ તરીકે સંબોધવું એ માત્ર નામકરણનો વિવાદ નથી, પરંતુ તે ચીનની તે વિસ્તારવાદી નીતિનો ભાગ છે. ચીન આ જ તાઇવાન અને દક્ષિણ ચીન સમુદ્રમાં અપનાવી રહ્યું છે. ચીન આવા વિવાદોને જીવંત રાખવા માગે છે જેથી જરૂર પડે ત્યારે તે ભારત પર દબાણ લાવી શકે. ભારતનો સંશયવાદ માત્ર 1962ના યુદ્ધની દુ:સ્વપ્ન પર આધારિત નથી, પરંતુ ચીનના આ અસ્થિર વર્તન અને કથની-કરણી વચ્ચેના તફાવત પર આધારિત છે.
ચીનની વ્યૂહરચનાનું બીજું મહત્ત્વનું પાસું ભારતની ‘ભૂ-રાજકીય ઘેરાબંધી’ છે, જેને પ્રખ્યાત રીતે ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. ચીન પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા ભારતના પડોશી દેશોમાં પોતાનું રોકાણ અને સૈન્ય પ્રભાવ વધારી રહ્યું છે. અહીં ચીનના પ્રોજેક્ટ માત્ર આર્થિક નથી, પરંતુ તે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ એક સૈન્ય પ્રોક્સી તરીકે મજબૂત કરવાની ચીની ચાલ છે.
નેપાળ અને બાંગ્લાદેશમાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા ચીન આ દેશોની અર્થવ્યવસ્થા પર કબજો જમાવી રહ્યું છે, જેનાથી ભારતની પરંપરાગત પ્રાદેશિક નેતા તરીકેની ભૂમિકાને સીધો પડકાર મળે છે. ભારત તેના પડોશીઓ સાથેના વિવાદો અને ચીની દખલગીરીને ઉકેલવામાં વ્યસ્ત રહે છે ત્યારે ચીન તેને વૈશ્વિક મંચ પર એક શક્તિશાળી સ્પર્ધક તરીકે ઊભરતા રોકી શકે છે.
આ વિશ્લેષણમાં સૌથી મહત્ત્વનું પાસું એ છે કે ભારતને ‘એશિયાઈ એકતા’ના નામે ચીન પશ્ચિમી દેશો વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે, જ્યારે તે પોતે એશિયામાં કોઈ પણ પ્રકારના શક્તિ સંતુલનનો સ્વીકાર કરવા તૈયાર નથી. ચીન ઈચ્છે છે કે ભારત તેની ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’નો ઉપયોગ એવી રીતે કરે કે જેથી અમેરિકાનાં હિતોને નુકસાન થાય. ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને ચીન તેના અસ્તિત્વ માટે જોખમ માને છે. તેથી જ, ચીન સરહદ પર તણાવ ઘટાડવાની વાર્તાઓ દ્વારા ભારતની સુરક્ષા તત્પરતાને ધીમી પાડવા ઈચ્છે છે.
ભારત માટે આ પરિસ્થિતિ અત્યંત જટિલ છે. નવી દિલ્હી જાણે છે કે ચીન સાથે સીધો સશસ્ત્ર સંઘર્ષ આર્થિક વિકાસમાં અવરોધક બનશે, પરંતુ ચીન પર સંપૂર્ણ વિશ્વાસ કરવો એ રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ સમાન હશે. ભારતની વર્તમાન નીતિ ‘સશસ્ત્ર શાંતિ’ જેવી છે, જેમાં તે સરહદ પર સૈન્ય માળખાને મજબૂત કરી રહ્યું છે અને સાથે સાથે અમેરિકા સાથે સંરક્ષણ તકનીકીમાં ઊંડો સહયોગ કરી રહ્યું છે. ‘પેન્ટાગોન’નો આ અહેવાલ ભારતને ચેતવે છે કે ચીનની નમ્રતા એ કાયમી પરિવર્તન નથી પરંતુ એક વ્યૂહાત્મક પીછેહઠ હોઈ શકે છે.
ચીનની ભારત વિરુદ્ધની વ્યૂહરચના એક બહુપક્ષીય આક્રમણ છે, જે આર્થિક, સૈન્ય અને મુત્સદ્દીગીરીના સ્તરે લડવામાં આવી રહી છે. ભારતને ચીન અમેરિકાથી અલગ કરવા માગે છે જેથી તે દક્ષિણ એશિયામાં પોતાની શરતો પર રમત રમી શકે. ભારતની સફળતા ચીનના આ ‘શાંતિના પ્રસ્તાવ’ પાછળના વાસ્તવિક હેતુઓને પારખવામાં અને તેની ‘સ્ટ્રિંગ ઓફ પર્લ્સ’ વ્યૂહરચનાનો જડબાતોડ જવાબ આપવામાં રહેલી છે. આ સંઘર્ષ માત્ર બે દેશ વચ્ચેનો નથી, પરંતુ તે નક્કી કરશે કે 21મી સદીમાં એશિયાનું નેતૃત્વ કોણ કરશે અને વૈશ્વિક વ્યવસ્થામાં લોકશાહી વિરુદ્ધ સરમુખત્યારશાહીની લડાઈમાં કોનું પલ્લું ભારે રહેશે.