વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હીનો સાત રનથી વિજયઃ વિરાટ મૅન ઑફ ધ મૅચ
બેંગલૂરુઃ અહીં શુક્રવારે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં દિલ્હી (Delhi)એ વિરાટ કોહલી (77 રન, 61 બૉલ, એક સિક્સર, તેર ફોર) અને કૅપ્ટન રિષભ પંત (70 રન, 79 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ની હાફ સેન્ચુરીની મદદથી તેમ જ પછીથી આઠ બોલરના આક્રમણ સાથે ગુજરાતને રોમાંચક મુકાબલામાં સાત રનના તફાવતથી હરાવીને એલીટ, ગ્રૂપ-ડીમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. આ ગ્રૂપમાં દિલ્હી (ચાર પૉઇન્ટ, +2.005નો રનરેટ) પહેલા સ્થાને અને ગુજરાત (ચાર પૉઇન્ટ, +1.631નો રનરેટ) બીજા નંબરે અને સૌરાષ્ટ્ર (ચાર પૉઇન્ટ, +0.206નો રનરેટ) ત્રીજા ક્રમે છે.
દિલ્હીએ બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં નવ વિકેટે 254 રન કર્યા હતા. ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલે (10-0-42-4) વિરાટ અને પંતની તેમ જ અર્પિત રાણા (10 રન) તથા નીતીશ રાણા (12 રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. ગુજરાત માટે 255 રનનો લક્ષ્યાંક બહુ મોટો નહોતો, પણ સારી શરૂઆત બાદ ગુજરાતની ટીમે ધબડકો જોયો જેને કારણે એ લક્ષ્યાંક મુશ્કેલ થઈ ગયો હતો. છેવટે 48મી ઓવરમાં ચિંતન ગજાની ટીમ માત્ર સાત રન માટે મૅચને ટાઇ કરાવવાનું અને આઠ રન માટે જીત મેળવવાનું ચૂકી ગઈ હતી. 255 રનના ટાર્ગેટ સામે ગુજરાતની ટીમ 47.4 ઓવરમાં 247 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. કોહલીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
37 વર્ષના કોહલી (Kohli)એ 29 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. લિસ્ટ-એ વન-ડે ટૂર્નામેન્ટમાં કોહલીએ 85મી હાફ સેન્ચુરી જાણીતા સ્પિનર રવિ બિશ્નોઈના બૉલમાં ફોર ફટકારીને પૂરી કરી હતી. કોહલીએ બુધવારે આંધ્ર સામેની મૅચમાં 101 બૉલમાં 131 રન કર્યા હતા અને દિલ્હીને વિજય અપાવ્યો હતો. જોકે શુક્રવારે કોહલી સતત બીજી સેન્ચુરી ફટકારવામાં નિષ્ફળ ગયો હતો. તે ગુજરાતના લેફ્ટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલના બૉલમાં વિકેટકીપર ઉર્વિલ પટેલના હાથે સ્ટમ્પ-આઉટ થઈ ગયો હતો. જયસ્વાલે કોહલીની નબળાઈઓ પારખી લીધી હતી અને તેની વિકેટ લઈને રહ્યો હતો.
ગુજરાતે 255 રનના લક્ષ્યાંક માટે શરૂઆત સારી કરી હતી. ઓપનર્સ ઉર્વિલ પટેલ (31 રન, 36 બૉલ, છ ફોર) અને આર્ય દેસાઈ (57 રન, 77 બૉલ, બે સિક્સર, આઠ ફોર) વચ્ચે 67 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને ત્યાર પછી આર્ય તથા અભિષેક દેસાઈ (26 રન, 44 બૉલ, ત્રણ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 54 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. જોકે પાંચ રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી. એ ધબડકો ગુજરાતને સૌથી ભારે પડ્યો હતો.
આઇપીએલમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વતી રમી ચૂકેલા સૌરવ ચૌહાણ (49 રન, 43 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને વિશાલ જયસ્વાલ (26 રન, 19 બૉલ, બે સિક્સર, એક ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 69 રનની ભાગીદારી થતાં ગુજરાતની ટીમમાં જીતવાની આશા ફરી જાગી હતી. 47મી ઓવરમાં કૅપ્ટન ચિંતન ગજા દિલ્હીના સબસ્ટિટ્યૂટ ફીલ્ડર હૃતિક શોકિનના હાથે રનઆઉટ થતાં (નવમી વિકેટ પડતાં) બાજી ફરી ગઈ હતી.
તેની વિકેટ વખતે ગુજરાતે 17 બૉલમાં ફક્ત 12 રન કરવાના હતા, પરંતુ ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવના બૉલમાં વિરાટ કોહલીએ કવર્સમાંથી દોડી આવીને બિશ્નોઈનો શાનદાર કૅચ ઝીલ્યો અને રોમાંચિત થઈને બૂમ પાડી એ સાથે દિલ્હીની છાવણીમાંથી વિજયી સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું અને ગુજરાતની આશા પર પાણી ફરી વળ્યું હતું. દિલ્હી વતી આઠ બોલરે બોલિંગ કરી હતી જેમાંથી પ્રિન્સ યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ તેમ જ અર્પિત રાણા અને પીઢ બોલર ઇશાન્ત શર્માએ બે-બે વિકેટ લીધી હતી.