Fri Jan 02 2026

Logo

White Logo

અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર ટ્રક : ખાઈમાં ખાબકતાં 17 શ્રમિકનાં મોત

3 weeks ago
Author: Mumbai Samachar Team
Video

ઇટાનગર: સેવન સિસ્ટર ગણાતા રાજ્યો પૈકીના એક અરુણાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટના ભારત-ચીનની બોર્ડર પર ઘટી છે, જેમાં એક ટ્રક ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં 17થી વધુ શ્રમિકનાં મોત થયા છે, જ્યારે બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો

અરુણાચલ પ્રદેશના સરહદી જિલ્લા અંજાવ ખાતે બોર્ડર રોડ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, જ્યાં 8 ડિસેમ્બરના એક મોટી દુર્ઘટના ઘટી હતી. હૈયુલિયાંગ-ચગલાગામ ઇન્ડો-ચીન બોર્ડરના પહાડી રસ્તે 21 મજૂરને લઈ જતી એક ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે રસ્તો સાંકડો અને ઢાળવાળો હોવાને કારણે ટ્રકે બેલેન્સ ગુમાવ્યું હતું, પરિણામે ટ્રક ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ટ્રકમાં સવાર શ્રમિકો અકસ્માતનો શિકાર બન્યા છે.

મજૂરોની શોધખોળ ચાલુ

દુર્ઘટનાને પગલે જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક રાહત અને બચાવ ટુકડી મોકલી હતી. આસપાસના લોકો પણ રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા હતા. ખીણ બહુ ઊંડી હોવાને કારણે બચાવ કાર્ય મુશ્કેલ હતું. ઘણા મજૂરો ખીણમાં ફસાયેલા હતા. જેમની સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. ઘણા મજૂરોના શરીર ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઇન્ડો-ચીન બોર્ડર પર થયેલા આ અકસ્માતમાં 17 મજૂરના મોત થયા છે, જ્યારે બાકીના મજૂરોની શોધખોળ ચાલી રહી છે. પીડિત મજદૂરો તિનસુકિયાના ગેલાપુખુરી ટી એસ્ટેટના હતા અને બાંધકામની કામગીરી માટે હયુલિયાંગ જઈ રહ્યા હતા. ટ્રક પહાડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત પછી સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

જીવના જોખમે કામ કરી રહ્યા છે મજૂરો

ઉલ્લેખનીય છે કે, ઇન્ડો-ચીન બોર્ડર પર કામ કરનાર મજૂરો દરરોજ જીવના જોખમે કામ કરી રહ્યા છે. અહીં ખરાબ હવામાન, ભૂસ્ખલન, સાંકડા રસ્તાને કારણે અકસ્માત જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. તાજેતરમાં થયેલા અકસ્માતને સાંકડા રસ્તાને કારણે અથવા ટ્રકની ઝડપના કારણે થયો એ અંગે તપાસ કરવામાં આવશે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.