Tue Dec 09 2025

Logo

White Logo

ભોજપુરી સ્ટાર પવનસિંહને લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના નામે મળી ધમકી અભિનેતા : સલમાન ખાન સાથે મંચ પર એકત્ર નહીં આવવા ચેતવણી આપી

1 day ago
Author: Yogesh D Patel
Video

મુંબઈ: ભોજપુરી સ્ટાર પવનસિંહને અજાણ્યા શખસો તરફથી ધમકી મળી છે, જેમણે પોતે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યો હોવાનો દાવો કર્યો છે અને ફિલ્મ અભિનેતા સલમાન ખાન સાથે મંચ પર એકત્ર નહીં આવવાની ચેતવણી આપી છે. પવનસિંહને ધમકી મળ્યા બાદ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-9) દીક્ષિત ગેડામે સોમવારે જણાવ્યું હતું કે પોલીસને લેખિત ફરિયાદ મળી છે અને તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે.

પવનસિંહની મેનેજરે આ પ્રકરણે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગનો સભ્ય હોવાનો દાવો કરનારી વ્યક્તિને તેને કૉલ્સ આવ્યા હતા, એમ ઓશિવરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

મેનેજરના જણાવ્યા મુજબ તેને ગયા શનિવારથી પવનસિંહને ટાર્ગેટ કરતાં ધમકીભર્યા મેસેજ આવી રહ્યા છે. આથી તેણે પોલીસ રક્ષણ માગ્યું છે.

કૉલ કરનારે ધમકી આપી છે કે પવનસિંહે સલમાન ખાન સાથે કામ નહીં કરવું જોઇએ અને ફિલ્મમાં એકત્ર પણ નહીં આવવું જોઇએ. અન્યથા ગંભીર પરિણામનો સામનો કરવો પડશે.
ભોજપુરી અભિનેતાની ટીમના અન્ય સભ્યને પણ ધમકીભર્યા કૉલ્સ આવ્યા હતા અને કૉલ કરનારે રૂપિયાની માગણી કરી હતી.

પવનસિંહ અભિનેતા સલમાન ખાન દ્વારા હૉસ્ટ કરાયેલા રિયાલિટી શૉ બિગ બોસના સ્પર્ધકોમાંનો એક હતો. 

ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇ પંજાબી સિંગર અને રાજકારણી સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપી છે અને તે હાલ ડ્રગ્સના કેસમાં ગુજરાતની સાબરમતી જેલમાં છે.

ઑક્ટોબર, 2024માં એનસીપીના નેતા અને રાજ્યના પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા બિશ્ર્નોઇના ઇશારે કરવામાં આવી હતી. આ કેસમાં લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ અનમોલ વોન્ટેડ હતો અને તેને ગયા મહિને યુએસથી ડિપોર્ટ કરીને ભારત લવાયો હતો. (પીટીઆઇ)