નવી દિલ્હી: ભારત માટે વધુ એક વાર ગૌરવની ક્ષણ આવી છે. ભારતના સૌથી મોટા તહેવાર દિવાળીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા(Intangible Cultural Heritage of Humanity)ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના આ નિર્ણયને આવકાર્યો, તેમણે દિવાળીના તહેવારને ભારતીય સભ્યતાનો આત્મા ગણાવ્યો.
78 દેશોમાંથી આવેલા નોમિનેશન પર ચર્ચા કરવા માટે દિલ્હીના લાલ કિલ્લામાં યુનેસ્કોની બેઠક યોજાઈ હતી. આજે બુધવારે યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
યુનેસ્કોએ X પર પોસ્ટ કરીને લખ્યું, "અમૂર્ત વારસાની યાદીમાં ભારતના દીપાવલીનો સમાવેશ કરવામાં આવે છે. અભિનંદન!"
આ યાદીમાં ચેક રિપબ્લિક, એલસાલ્વાડોર, ઘાના, જ્યોર્જિયા, કોંગો, ઇથોપિયા અને ઇજિપ્ત જેવા અન્ય ઘણા દેશોના સાંસ્કૃતિક પ્રતીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગજેન્દ્ર સિંહ શેખાવતે નિર્ણય આવકાર્યો:
દિવાળીને આ યાદીમાં સામેલ કરવાના યુનેસ્કોના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા, ભારતના કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ તહેવાર ભારતીયોની ભાવના સાથે જોડાયેલો છે અને પેઢીઓથી ઉજવાતો આવ્યો છે.
આ સાથે ગજેન્દ્ર સિંહ શેખાવતે લોકોને જવાબદારી યાદ કરાવતા લખ્યું, "યુનેસ્કોનો આ ટેગ મળવો એ આપના માટે એક જવાબદારી પણ છે; આપણે એ ખાતરી કરવી જોઈએ કે દીપાવલી આપણો જીવંત વારસો બની રહે."
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
ભારતના વડાપ્રધાન મોદીએ પણ યુનેસ્કોના નિર્ણય અંગે ગૌરવની ભાવના વ્યક્ત કરી. તેમણે X પર એક પોસ્ટ કરીને લખ્યું, "ભારત અને વિશ્વભરના લોકો ખૂબ જ આનંદમાં છે. દીપાવલી આપણી સંસ્કૃતિ અને આપણા મુલ્યો સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલો તહેવાર છે. એ આપણી સભ્યતાનો આત્મા છે. યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દીપાવલીનો સમાવેશ થવો એ વિશ્વભરમાં આ તહેવારની લોકપ્રિયતા વધારવામાં યોગદાન આપશે. પ્રભુ શ્રી રામના આદર્શો આપણને અનંતકાળ સુધી માર્ગદર્શન આપતા રહે."
People in India and around the world are thrilled.
— Narendra Modi (@narendramodi) December 10, 2025
For us, Deepavali is very closely linked to our culture and ethos. It is the soul of our civilisation. It personifies illumination and righteousness. The addition of Deepavali to the UNESCO Intangible Heritage List will… https://t.co/JxKEDsv8fT
આ દેશોના વારસાના સંસ્કૃતિક પ્રતીકો પણ યુનેસ્કોની યાદીમાં સામેલ:
ભારતના દિવાળી ઉપરાંત અન્ય દેશોના સાંસ્કૃતિક વારસાના પ્રતીકો યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. યાદીમાં આઇસલેન્ડની સ્વિમિંગ પૂલ સંસ્કૃતિ, હૈતીના કોમ્પાસ, ઘાનાનું હાઈ લાઈફ મ્યુઝીક એન્ડ ડાન્સ, જ્યોર્જિયન ઘઉંની સંસ્કૃતિ, ઇથોપિયાના ગિફાટા, વોલાઇટા લોકોના નવા વર્ષનો ઉત્સવ, એલસાલ્વાડોરનું ફૂલો અને ખજૂરના વૃક્ષોનું સંગમ, ઇજિપ્તનું કોશરી અને દૈનિક જીવનની વાનગીઓ, ચેક રિપબ્લિકની એમેચ્યોર થિયેટર એક્ટિંગ, સાયપ્રસનું કમાન્ડેરિયા વાઇન, ક્યુબામાં ક્યુબન સનની પ્રથા અને યમનના હદરામી ડેન મેળાવડોનો સમાવેશ કરવામાં આવ્યો.