Sat Dec 13 2025

Logo

White Logo

વર્ષ 2032 સુધીમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની બેટરીની માગ વધીને 256.3 ગિગા વૉટ થશેઃ : અહેવાલ

8 hours ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની બેટરીની બજાર જે વર્ષ 2025માં 17.7 ગિગા વૉટના સ્તરે છે તે વર્ષ 2032માં વધીને 256.3 ગિગા વૉટના સ્તરે પહોંચવાની શક્યતા કસ્ટમાઈઝ્ડ એનર્જી સોલ્યુશન્સ (સીએસઈ)એ તૈયાર કરેલા એક અહેવાલમાં જણાવ્યું છે.
 
એકંદરે દેશમાં વધી રહેલા ડીઝલ અને પેટ્રોલ જેવાં ઈંધણના ભાવને કારણે સરકાર દ્વારા થઈ રહેલા વિદ્યુતિકરણના પ્રયાસો, મજબૂત ગ્રાહકલક્ષી માગ, ઝડપભેર લૉન્ચ થઈ રહેલા ઈલેક્ટ્રિક વાહનો અને ઈલેક્ટ્રિક વાહનોને સતત મળી રહેલા નીતિવિષયક સમર્થનને કારણે ઈલેક્ટ્રિક બેટરીની માગમાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળે તેવી શક્યતા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા `ઈવી બેટરી ટેક્નોલૉજી રિવ્યુ 2025' અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. અહેવાલમાં ઉમેર્યું હતું કે આ સાત વર્ષમાં ચક્રવૃદ્ધિ ધોરણે 35 ટકાનો વૃદ્ધિદર અપેક્ષિત હોવાની સાથે દેશનાં ઑટોમેટિવ ક્ષેત્રમાં ધરખમ પરિવર્તનનો પણ સંકેત આપે છે. 

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની ક્રાંતિના મૂળમાં બેટરી રસાયણશાસ્ત્રની સફળતાઓ છે. ખાસ કરીને એલએફપી જનરેશન 4 અને સોડિયમ આયન ટેક્નોલૉજીનો ઉદ્ભવ એ માત્ર અપગે્રડેશન નહીં, પરંતુ ગેમચેન્જર પુરવાર થયો છે જે ઈલેક્ટ્રિક વાહનને વધુ સસ્તું, સલામત અને એક ચાર્જ પર વધુ આગળ વધવા માટે સક્ષમ બનાવશે, એમ સીઈએસનાં મેનેજિંગ ડિરેક્ટર વિનાયક વાલિમ્બેએ એક યાદીમાં જણાવ્યું હતું. એકંદરે વૃદ્ધિની આ ગાથાના કેન્દ્રમાં બેટરી રસાયણશાસ્ત્રમાં ક્રાંતિ, વૈશ્વિક એડવાન્સ લિથિયન આયન બેટરીઓમાં ખાસ કરીને નેક્સ્ટ જનરેશન લિથિયમ આયન ફોસ્ફેટ અને નિકલ કોબાલ્ટ મેંગેનિઝ ટેક્નોલૉજી ઊર્જાની ઘનતા, સલામતી અને ખર્ચ સ્પર્ધાત્મકતા માગને નવી ઊંચાઈએ પહોંચાડી રહી છે. 

વધુમાં અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે એલએફપી જનરેશન ફોર સેલ હવે 300 વૉટ પ્રતિ કલાક કરતાં વધુ થવાથી ડ્રાઈવિંગની રેન્જ વધવાની સાથે વાહનોના ભાવ પણ નીચા આવ્યા છે. દરમિયાન સોડિયમ આયન અને સોલિડ સ્ટેટ બેટરી બજારમાં આવી છે જે ભારતનાં વિવિધ વાહનોની શ્રેણી, દ્વી અને ત્રિચક્રી વાહનોથી લઈને પ્રીમિયમ પેસેન્જર કાર અને કોમર્શિયલ વાહનોના કાફલા માટે તૈયાર કરવામાં આવેલા સોલ્યુશન્સ પૂરા પાડે છે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું.