ગાંધીનગર: 1989ની બેચના આઈપીએસ વિકાસ સહાય આજે ગુજરાતના ડીજીપીના પદેથી નિવૃત્ત થયા છે. સરકારે પણ તેઓને નિવૃત્ત જાહેર કરી દીધા છે. જોકે, હજુ પણ ગુજરાતને હજુ પણ કાયમી ડીજીપી મળ્યા નથી. કારણ કે, વિકાસ સહાયની નિવૃત્તિ બાદ હવે ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે.
ડૉ. કે.એલ.એન. રાવને સોંપાયો વધારાનો હવાલો
ગુજરાતના નવા ડીજીપીની રેસમાં ડૉ. કે.એલ.એન. રાવ, જી.એસ. મલિક તથા ડૉ. નિરજા ગોટરૂનું નામ અગ્રેસર હતું. આ ત્રણ પૈકી ડૉ. કે.એલ.એન. રાવને હવે ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. તેઓ હાલ ગાંધીનગર ખાતે સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ)ના ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ હોદ્દાની સાથે તેઓ હવે રાજ્યના ડીજીપી તરીકેનો વધારો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.
પોલીસ બેડાના સૂત્રોના અગાઉના અનુમાન અનુસાર, DGP બનવાની રેસમાં 1992ની બેંચના IPS અધિકારી ડૉ.કે.એલ.એન. રાવ સૌથી આગળ છે. કારણ કે, જી.એસ.મલિક કરતાં ડૉ. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમની નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. જોકે, તેઓને હવે ઇન્ચાર્જ બનાવાયા છે. જેથી હવે સરકારને નવા ડીજીપીની પસંદગી માટે સમય મળી રહેશે.
ગુજરાતના નવા ડીજીપી કોણ બનશે?
ડૉ. કે.એલ.એન.રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા બાદ ગુજરાત રાજ્યના 30મા ડીજીપી કોણ બનશે? એ પ્રશ્ન હજુ ઊભો જ છે. જોકે, અગાઉ પોલીસ કમિશનરના પદે રહેલા શિવાનંદ ઝા, આશિષ ભાટિયા સહિતના IPS અધિકારીઓને ગુજરાતના ડીજીપી બનાવાયા હતા. તેને જોતો હાલના અમદાવાદ પોલીસ કમિશ્નર અને 1993ની બેચના આઈપીએસ જી.એસ. મલિકને નવા ડીજીપી બનાવાય એવી અટકળો પોલીસ બેડામાં વહેતી થઈ હતી. જોકે, ડીજીપીની રેસના ત્રીજા હરીફ ડૉ. નીરજા ગોટરૂ પણ 1993ની બેચના જ આઈપીએસ છે. જેઓ હાલ ગાંધીનગર ખાતે એડીશનલ ડીજીપી (તાલીમ) તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આમ, ડીજીપીની રેસના બે આઈપીએસ એક જ બેચના છે. તેથી આગામી સમયમાં જો સિનિયૉરિટીને ધ્યાને લેવામાં આવે તો ડૉ.કે.એલ.એન. રાવ જ ઇન્ચાર્જ ડીજીપીમાંથી કાયમી ડીજીપી તરીકે જોવા મળી શકે છે.