Thu Jan 01 2026

Logo

White Logo

બાળ દિવસ પર પંજાબના બહાદૂર બાળકનું થયું સન્માન: : રાષ્ટ્રપતિના હસ્તે અપાયો 'રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'

5 days ago
Author: Mumbai Samachar Team
Video

નવી દિલ્હી: બહાદુરી, રમતગમત, કલા અને સંસ્કૃતિ, શૈક્ષણિક, ઇનોવેશન, સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર 5થી 18 વર્ષની વયના બાળકને દર વર્ષે 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પંજાબના 16 વર્ષીય શ્રવણ સિંહને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025' એનાયત કરવામાં આવ્યો છે. કારણ કે તેણે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન જીવના જોખમે સૈનિકોની સેવા કરી હતી.

'ઑપરેશન સિંદૂર'માં શ્રવણ સિંહની અસાધારણ કામગીરી

આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એક ભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પંજાબના સરહદી જિલ્લા ફીરોજપુરના નાનકડા ગામ ચોક તારાંવાલીના શ્રવણ સિંહ નામના કિશોરને 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025'થી સન્માનિત કરવામાં આવ્યો હતો. 'ઑપરેશન સિંદૂર' દરમિયાન કરેલી અસાધારણ કામગીરીને લઈને શ્રવણ સિંહને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
 

મે 2025માં ભારત-પાકિસ્તાનની સરહદ પર તણાવપૂર્ણ માહોલ હતો. પહલગામ હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા 'ઑપરેશન સિંદૂર' શરૂ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ડ્રોનની હિલચાલ અને હુમલાના જોખમ વચ્ચે શ્રવણ સિંહે સૈનિકોને દરરોજ તેના ઘરેથી ગરમ ભોજન, ચા, દૂધ, લસ્સી અને પીવાનું પાણી પહોંચાડવાની નિ:સ્વાર્થ સેવા કરી હતી. આમ, યુદ્ધની પરિસ્થિતમાં શ્રવણ સિંહે સૈનિકોનું મનોબળ વધારવાનું કામ કર્યું હતું. શ્રવણ સિંહની કામગીરીથી પ્રભાવિત થઈને ભારતીય સેનાએ શ્રવણ સિંહના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.

શ્રવણનું સાહસ કાબિલ-એ-તારીફ છે

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને શ્રવણ સિંહને પંજાબનું ગૌરવ ગણાવ્યો છે અને તેની બહાદુરીને બિરદાવી છે. ભગવંત માને એક્સ પર લખ્યું કે, "અમારા ગુરુઓ દ્વારા આપેલી શિક્ષના પગલે ચાલીને, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન શ્રવણ સિંહે ઘરેથી ચા-પાણી અને ભોજન લાવીને સૈનિકોની જે સેવા કરી હતી, તે કાબિલે-એ-તારીફ છે. બાળકના દેશ પ્રત્યે ઉત્સાહ અને જોશને સલામ."