Sun Dec 14 2025

Logo

White Logo

કટ ઑંફ જિંદગી - પ્રકરણ-22 : સન્ડે ધારાવાહિક

7 hours ago
Author: Mumbaisamachar Team
Video

‘ઘણીવાર હામેનું માણહ આપણું કોઇ હગું નથી હોતું તેમ છતાં કૂણી લાગણી કેમ જનમતી હશે?’

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

જ્યોતિ દોડતી બહાર આવીને સંધ્યાને ભેટી પડી. એણે ચિઠ્ઠી બતાવતા કહ્યુ: ‘તું લખી વાંચી શકે છે ને એ પણ આટલું સરસ....તું ખરેખર છો કોણ?’ એના ચહેરા પર હજી આશ્ર્ચર્ય અકબંધ હતું.

મિસ એક્સે દૂર ક્ષિતિજે ખીલેલી સંધ્યા બતાવી. જ્યોતિ હસી પડી....એ ફરી ચિઠ્ઠીમાં જોવા લાગી. ‘તારું નામ સંધ્યા છે, પણ તેં અત્યાર સુધી કહ્યું કેમ નહીં?’

‘હું યોગ્ય સમયની રાહમાં હતી...કદાચ આજે એ સમય આવી ગયો છે.’ બોલીને એ ક્યાંક ખોવાઇ ગઇ. ‘હું આત્મહત્યા કરી લેવા માગતી હતી, પણ પેલા સાહેબે મને એવું પગલું નહીં ભરવા સમજાવી...રીતસર ધમકાવી.’ એણે સોલંકીનું વર્ણન કર્યું. જ્યોતિએ કહ્યું: ‘હા, એ સોલંકી સાહેબ છે...બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટે અહીં મુક્યા છે.’

‘પછી સાજી થયા પછી હું ક્યાંક જતી રહેવા માગતી હતી. એમાં મોટા સાહેબે મને અહીં તારી પાસે રહેવા મોકલી.’ એણે ડો. શાહની હૂબહૂ નકલ કરી. ‘એ ડો. શાહ હોસ્પિટલના ડીન છે.’ જ્યોતિ એના અભિનયથી હસી પડી. ‘અને તારી કહાનીએ મને એકલાં જીવી લેવાની પ્રેરણા આપી...’ એ ફોટો ફ્રેમમાં એકલી જ્યોતિની તસવીર જોતાં બોલી. ‘તારી આંખોમાં મેં દુનિયાની સામે ઝઝૂમવાની ખુદ્દારી જોઇ.’ સંધ્યાના જોમ અને જુસ્સાને જોઇને જ્યોતિ એને ફરી એકવાર ભેટી પડી.

બંને અંદર ગઇ. સંધ્યાએ રસોઇ કરી રાખી હતી. જમતા જમતાં જ્યોતિએ કહ્યું કે ‘ચાલો એક વાતે સુખ કે આપણે હવે સાઇન લેન્ગવેજમાં વાતચીત કરવી નહીં પડે.’

‘ના, તું પ્લીઝ મને સાઇન લેન્ગવેજ શીખવજે...મારે શીખવી છે.’ સંધ્યાએ હાથના હાવભાવથી કહ્યું ને જ્યોતિએ અંગૂઠો બતાવીને ઓકે કહ્યું. જમી પરવારીને જ્યોતિએ ટીવી ચાલુ કર્યું. ટીવીના એક કાર્યક્રમમાં ગીત વાગતું હતુ:

કહીં દૂર જબ દિન ઢલ જાયે સાંજ કી દુલ્હન બદન ચુરાયે ચુપકે સે આયે
મેરે ખયાલોં કે આંગન મેં કોઇ સપનોં કે દીપ જલાયે....દીપ જલાયે...
કહીં તો યે દિલ કભી મિલ નહીં પાતે, 
કહીં સે નિકલ આયે જનમોં કે નાતે....
ઘની થી ઉલઝન, બૈરી અપના મન અપના હી હોકે સહે દર્દ પરાયે... 
સંધ્યા જ્યોતિની આંખોની ભાષા વાંચીને ગીતના શબ્દો સમજવાની કોશિશ કરી રહી હતી. આંખોની ગૂઢ ભાષાની ક્યાં કોઇ લિપિ હોય છે, એને તો ખરા મનથી...મનની આંખોથી વાંચવી પડે.
****
ડોક્ટરના વેશમાં હોસ્પિટલમાં નિર્મલને જોઇને આવ્યા પછી ઘરમાં ભજવાયેલા નાટકની કેશુકાકાના મન પર કોઇ અસર થઇ નહતી. એમને ખબર જ હતી કે ઘરમાં ડખો થશે. કિસન અને કાશ્મીરાના ક્રોધ અને રોષનો સામનો કરવાની એમની પૂરતી તૈયારી હતી. નિર્મલ પરના અપાર સ્નેહની સામે આની કોઇ વિસાત નહતી. ડો. ઓઝાની ક્લિનિકમાંથી ઉઠાવી લીધેલા એપ્રન અને સ્ટેથસ્કોપ પાછાં આપવાની હિમ્મત પણ કેશુકાકા જ કરી શકે. ડો. ઓઝા પરિચિત ફેમિલી ડોક્ટર એટલે જ તેઓ એની વાત સાંભળીને પણ ખડખડાટ હસી પડ્યા, પણ જ્યારે કેશુકાકાએ નિર્મલ અને પોતાની દર્દનાક અને યાદગાર સફરની વાત કરી ત્યારે ડો. ઓઝા બેચેન બની ગયા હતા.

પ્લેનમાં વાતો કરતા નિર્મલને હોસ્પિટલની પથારીમાં અચેતન અવસ્થામાં જોઇને એમનું મન ભરાઇ આવ્યું હતું. લાખ કોશિશ છતાં આંખની કોરે અટકેલાં ઝળઝળિયાં માસ્કની પાછળ ગરકી ગયા. નિર્મલની જગ્યાએ કિસન હોત તો પોતાના અને કાશ્મીરા પર શું વિતતી હોત એવો દુષ્ટ વિચાર એને પવિત્રા અને એના કુટુંબની મન:સ્થિતિ સુધી ખેંચી ગયો... કેવી વિતતી હશે પવિત્રા, એની દીકરી, એના મા-બાપ પર. અસહ્ય દુ:ખની કલ્પના કરવી અસહ્ય હોય છે. નિર્મલને જોઇ રહેલા સોલંકીએ એમને પૂછેલું પણ ખરું કે ‘નિર્મલ તમારો શું થાય?’ ત્યારે કેશુકાકાએ કહ્યું કે ‘ઘણીવાર સામેનું માણહ આપણું કોઇ હગું નથી હોતું તેમ છતાં કૂણી લાગણી કેમ જનમતી હશે એવો સવાલ કો’ક ‘દિ તમનેય થાશે... લાગણીના સંબંધને બ્લડ ગ્રુપ સાથે કોઇ લેવાદેવા નથી.’ સોલંકીની સામે મિસ એક્સ તરવરવા લાગી. મિસ એક્સ મારી કોઇ જ નહીં આમછતાં એના પ્રત્યેની આ કઇ એવી લાગણી છે જે મને એની તરફ ખેંચી રહી છે. કોરોનાના ચેપની પરવા કર્યા વિના એને સ્પર્શ કરવો... હોસ્પિટલના પગથિયેથી એને પાછી વાળવી...આત્મહત્યાનું પગલું ન ભરવા કોઇપણ જાતના અધિકાર વિના ગુસ્સાથી સમજાવવું...એના માટે રિપોર્ટર સંજુ, હરેશ અને પોલીસ ઇન્સપેક્ટર સામે જુઠ્ઠું બોલવું.  

નિર્મલને જોઇને આવ્યા પછી કેશુકાકાને બીજી એક મૂંઝવણ ઘેરી વળી હતી. પવિત્રાને ફોન કરવો કે નહીં. ફોન કરું તો શું કહું. સાચું બોલીશ તો એના દુ:ખમાં વધારો થાશે ને ખોટું બોલીશ તો મારું મન દુભાશે. સામેવાળાને દુ:ખી કરવા કરતાં પોતાના મનને દુભાવવું વધુ હારું....એમ વિચારીને એમણે પવિત્રાને ફોન જોડ્યો.

‘હું કેશુકાકા...’ એમણે કહ્યું.

‘હા બોલો...’ પવિત્રાનો ધીમો અવાજ આવ્યો.

‘હું નિર્મલને મળી આવ્યો.’ કેશુકાકા ગળું ખેંખેરીને બોલ્યા.

‘શું.....? કેમ છે એને....?’ પવિત્રાના અવાજમાં નિર્મલના સમાચાર જાણવાની ઉત્સુકતા હતી.

‘હવે ઘણું હારું છે.....મારી હાર્યે વાત પણ કરી.’ સાચું આપોઆપ બોલાઇ જવાય, ખોટું બોલવાનો પ્રયાસ કરવો પડે. કેશુકાકા ખોટું બોલવાનો સાચો પ્રયાસ કરી રહ્યા હતા.

‘તમને હોસ્પિટલમાં જવા દીધા?’ પવિત્રાને પણ નિર્મલને મળવા જવાનો વિચાર આવ્યો.

‘અરે જવા દેને... બહુ લાંબી વાત છે. ક્યારેક મળીને કહીશ તને.’

‘શું બોલ્યો નિર્મલ.....? શું વાત કરી મને કહોને...’ કેશુકાકા મુંઝાયા.

‘અમે પ્લેનમાં હાર્યે હતા એની વાતું કરી..જોકે હું જ બોયલો....બીમાર માણહને વધુ બોલવા નો દેવાયને એટલે.’ કેશુકાકા આટલું ખોટું માંડ બોલી શક્યા અને પવિત્રા નિર્મલના વિચારોમાં ખોવાયેલી રહી. કેશુકાકાએ આપેલી સમાચારની નાની ઝલક એના માટે તરસ્યા જીવ સામે પાણીનો ખોબો ધર્યા સમાન હતી.
*****
બીજે દિવસે એટુઝેડ ન્યૂઝ ચેનલની વેન જી. જી. ભોય હોસ્પિટલના ગેટ પર આવીને ઊભી રહી. એમાંથી જેવા સંજુ રિપોર્ટર અને કેમેરામેન હેગડે બહાર આવ્યા કે તરત જ વોચમેન મિશ્રાએ દોડી જઇને એમને અટકાવ્યા.

‘વો ગૂંગી કો તો ડિસ્ચાર્જ મિલ ગયા....ચલી ગઇ વો.’

‘હમેં ડો. શાહ સે મિલના હૈ. કૂછ ઓર કામ હૈ...’ સંજુએ કહ્યું.

‘નહીં નહીં હમ આપકો અંદર નહીં છોડ સકતે....સા’બલોગ મના કીએ હૈ...’

‘એક કામ કરો સોલંકી સા’બ કો બુલા દિજિયે.’

‘ઠીક હૈ...ઇધર હી ઠહેરો....આતે હૈ હમ બુલાકે....’ મિશ્રા જેટલી ઝડપે અંદર ગયો એનાથી બમણી ઝડપે સોલંકી બહાર આવ્યો...એમ ધારીને કે ચેનલવાળાને મિસ એક્સની ખબર પડી ગઇ લાગે છે.

‘ભાઇ, આવડા મોટા શહેરમાં સમાચારોનો દુકાળ પયડો છે કે શું. બોલો...હુ કામ પયડું પાછું તમને....’

‘સાહેબ, અમે સ્કૂપ માટે નથી આવ્યા.....અમને ખબર પડી કે તમે તમારા આંગણામાં શામિયાણું બાંધીને સારવાર કરો છો...અમારે એનું કવરેજ કરવું છે....પરમિશન આપો તો...’

‘મિશ્રાજી, ગેટ ખોલો.’ સોલંકીના આદેશથી મિશ્રાએ ગેટ ખોલ્યો. બંને અંદર પ્રવેશ્યા. હેગડેએ કેમેરા ઓન કર્યો.

‘અલ્યા હમણા રેવા દે ની....ડો. શાહની હાજરીમાં શૂટ એટ સાઇટ કરજે. એ તમને બ્રીફ કરશે. અને હા, માત્ર બહારનું જ કવરેજ કરવા મલહે.’ સોલંકીએ મિશ્રાને ઇશારો કરીને ડો. શાહને બોલાવવા કહ્યું. ડો. શાહ આવે તે પહેલાં સોલંકીએ સંજુને સાઇડમાં લઇ જઇને કહ્યુ: ‘અમારી પાહે રાજકારણીઓ જેટલો ટાઇમ ની મલે...એટલે સાહેબનો બહુ ટાઇમ નહીં બગાડતા. હા, સ્ટોરી કરવાની છૂટ, પણ માનવતાને ધ્યાનમાં રાખીને પોઝિટિવ સ્ટોરી કરવાની...હમજ્યા કે નૈ.’ ડો. શાહ આવ્યા. સોલંકી અંદર જતો રહ્યો.

‘સાહેબ, તમે દરદીની બાજુમાં ઊભા હો એવું શૂટિંગ કરીએ. સાથે સાથે સવાલો પણ કરું.’ સંજુએ કહ્યું. હેગડેએ કેમેરા ડો. શાહ પર માંડયો.

‘ના, હું કોઇ રાજનેતા કે હીરો નથી....અત્યારે કોરોના મુખ્ય ભૂમિકામાં છે...દરદીઓની યાતના...એમની લાચારી...એમના પરિવારજનોની વ્યથા, એમની મૂંગી વેદનાની પટકથા હું બોલીને વ્યક્ત કરું એના કરતાં તમારો કેમેરા વધુ સારી રીતે બયાન કરી શકશે. કહેવાય છે ને કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે.’

‘સાહેબ, હાલમાં દરદીઓ અને મૃતકોની સંખ્યા વધી રહી છે...આ શામિયાણું જોતાં લાગે છે.’ સંજુએ કહ્યું.

‘જન્મ અને મરણ આપણા હાથમાં નથી. કોઇપણ દરદી સારવારથી વંચિત ન રહેવો જોઈએ. અમે એટલે જ બહાર પંડાલ બાંધીને સારવારની સુવિધા ઊભી કરી છે.’

‘કદાચ સરકાર તરફથી દવાઓ અને ઇન્જેક્શનોનો પૂરતો સ્ટોક મળતો હશે પણ તબીબી સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફનું શું?’ સંજુએ પૂછ્યું.

‘અમે તાલીમી ડોક્ટરો અને નર્સીસને બોલાવ્યાં છે. ઉપરાંત નિવૃત્ત સરકારી ડોક્ટરો નર્સીસની પણ મદદ મળી છે. હા, કેટલાક સેવાભાવી સ્વયંસેવકો પણ જોડાયા છે.’   

‘સાહેબ, આ મહામારી વિશે તમે શું કહો છો?’

‘એટલું જ કે આ મહામારીએ આપણને કટઓફ કરી નાખ્યા છે. એની કોઇ ચોક્કસ દવા નથી એ જગજાહેર છે. ક્વોરન્ટાઇન દરમિયાન એક હદ સુધી તાવ, શરદી, ઉધરસની દવા આપી શકાય, પણ ફેંફસામાં ક્ધજેશન વધે અને ઓક્સિજન લેવલ ઘટે તો મુશ્કેલી ઊભી થતી હોય છે. તોસિલિઝુમેબ ઇન્જેક્શનથી ફાયદો થાય છે, પણ ડિમાન્ડની સામે પુરવઠો ઓછો છે. અમને હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી મળી રહે છે, પણ બજારમાં બ્લેક બોલાય છે. લોકો જીવ બચાવવા પોતાનાં ઘરેણાં વેંચીને ઇન્જેક્શનો ખરીદે છે.’

‘બ્લેકમાં વેંચાતા ઇન્જેક્શનોની ડિટેલ આપી શકો?’

‘એ મારો વિષય નથી. હું એ વિશે વધુ જાણતો નથી.’ ડો. શાહે કહ્યું.

‘દરદી માટે ક્વોરન્ટાઇન દરમિયાનનો સમય જોખમી છે કે ત્યાર પછીનો...?’

‘ક્વોરન્ટાઇન દરમિયાન સામાન્ય રીતે દરદી સાજા થઇ જતા હોય છે, પણ અસામાન્ય સંજોગોમાં બચાવી શકાતા નથી.’

‘અસામાન્ય સંજોગો એટલે કેવા સંજોગો.?’

‘ડર....મોટા ભાગે લોકો ડરને લીધે મૃત્યુ પામે છે. બીજું, કોઇ દરદીને કોરોનાની સાથે બીજી કોઇ ગંભીર 1બીમારી હોય તો એની ઇમ્યુનિટી ઓછી થઇ જાય. ખાસ કરીને મોટી વયના લોકોની ઇમ્યુનિટી ઓછી હોય છે. આવા અસામાન્ય સંજોગોમાં કોરોનાના વિષાણુઓ હાવી થઇ જતા હોય છે.’

‘એક આખરી સવાલ, શું તમે ખરેખર જાણતા નથી કે પેલી મૂંગી બહેરી યુવતી ક્યાં ગઇ છે?’ બરાબર એ જ વખતે શામિયાણાંમાં એક દરદીને દવા આપી રહેલી જ્યોતિએ દૂરથી ડો. શાહની સામે જોયું.

‘નો આઇડિયા....મને ખબર નથી.’ ડો. શાહ બોલ્યા.

‘થેન્ક યુ સર’ કહીને રિપોર્ટર સંજુએ વાત આટોપી લીધી.
*****
ડો. શાહ અંદર જવા લાગ્યા. જ્યોતિ એમની પાસે પહોંચી ગઇ.

‘સર એક મિનિટ.’ પછી આસપાસ કોઇ નથી એની ખાતરી કરતાં બોલી: ‘સર, મિસ એક્સનું નામ સંધ્યા છે અને એને લખતાં વાંચતાં આવડે છે.’

‘ગૂડ ફોર અસ એન્ડ હર.....બંને માટે સારું છે. એને એના મૂળ ઘરે પાછી મોકલવાનું સરળ બનશે.’

‘સર, મને એની વાત પરથી નથી લાગતું એ પાછી જવા માગતી હોય.’

‘ઓહ તો સમસ્યા સંગીન છે.’ ડો. શાહ બોલ્યા.

‘ના સર, હવે કોઇ સમસ્યા રહી જ નથી. એણે પોતાના પગ પર ઊભા રહેવાની મનમાં ગાંઠ વાળી લીધી છે.’ જ્યોતિએ કહ્યું.

‘તું એક કામ કર. એને નર્સનું કામ શીખવી દે. પોતાના પગ પર ઊભા રહેતા શીખવાનું આ પહેલું પગથિયું છે.’ ડો. શાહ બોલીને જતા રહ્યા ને જ્યોતિના ચહેરે ખુશી છલકી.     

 (ક્રમશ:)