Tue Dec 16 2025

Logo

White Logo

અમેરિકાના રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોના-ચાંદીમા નરમાઈ : સ્થાનિક ચાંદીમાં રૂ. 1442નો અને સોનામાં રૂ. 1472નો ઘટાડો

1 hour ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આજે મોડી સાંજે અમેરિકાના નવેમ્બર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ ફેડરલ રિઝર્વ ભવિષ્યની નાણાનીતિમાં કેવું વલણ અપનાવે તેનો દારોમદાર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1466થી 1472નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1442 ઘટી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ  નફારૂપી વેચવાલીના દબાણ સામે જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1442ના ઘટાડા સાથે રૂ. 1,91,975ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઊંચા મથાળેથી રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1466 ઘટીને રૂ. 1,31,249 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1472 ઘટીને રૂ. 1,31,777ના મથાળે રહ્યા હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4277.20 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 4305.30 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.50 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 62.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. અમેરિકાના રોજગારીની ડેટાની જાહેરાત પૂર્વે આજે રોકાણકારોએ સોનામાં નફો ગાંઠે બાંધતા પીછેહઠ જોવા મળી હોવાનું એફએક્સટીએમનાં વિશ્લેષક લુકમાન ઑટુંગાએ જણાવતાં ઉમેર્યું હતું કે આૈંસદીઠ 4300 ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી હાંસલ કરતાં પૂર્વે નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે.

આ જ પરિબળોને કારણે આજે ચાંદીના ભાવ પણ દબાણ હેઠળ આવ્યા હતા. ચાંદીમાં પણ નફારૂપી વેચવાલી અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં બાહ્યપ્રવાહ રહેતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે ચાંદીમાં પુરવઠાખેંચની સ્થિતિ અને અમેરિકાએ ચાંદીનો મહત્ત્વપૂર્ણ ધાતુઓની યાદીમાં સમાવેશ કર્યો હોવાથી આકર્ષણ વધુ રહેતાં આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 118 ટકા જેટલો ઉછાળો આવ્યો છે. 

દરમિયાન આજે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં 50,000 રોજગારોનો ઉમેરો થવાની શક્યતા રૉઈટર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે, જ્યારે બેરોજગારીનો દર 4.4 ટકાના સ્તરે રહેવાનો અંદાજ તેઓ મૂકી રહ્યા હોવાનું રૉઈટર્સે જણાવ્યું હતું. વધુમાં હાલમાં રોકાણકારોની નજર સપ્તાહના અંત આસપાસ અમેરિકાના નવેમ્બર મહિનાના ફુગાવાની જાહેરાત પર પણ મંડાયેલી છે.