Thu Dec 25 2025

Logo

White Logo

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, : અન્ય રાજ્યના તથા વિદેશી પ્રવાસીઓ ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ...

1 day ago
Author: MayurKumar Patel
Video

ગાંધીનગરઃ ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામાથી અન્ય રાજ્યો અને વિદેશથી આવતા ગિફ્ટ સિટીના મુલાકાતીઓ માટે લિકર એકસેસની પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
 
આ અંગે ગત સપ્તાહે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ બહારના રાજ્યના પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો તેનું ઓળખપત્ર બતાવી દારૂ મેળવી શકશે.   આવા મુલાકાતીઓ હવે લિકર એક્સેસ પરમિટની જરૂરિયાત વિના, માત્ર તેમનું માન્ય ફોટો આઈડી રજૂ કરીને દારૂનું સેવન કરી શકશે. ડિસેમ્બર 2023માં જાહેર કરાયેલા કડક નિયંત્રણોવાળા માળખામાં આ એક મોટો ફેરફાર છે.

માત્ર ગિફ્ટ સિટીમાં જ લાગુ પડશે

સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટછાટ માત્ર ગિફ્ટ સિટીના મર્યાદીત વિસ્તારમાં જ લાગુ પડશે. અહીંથી કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો શહેરના અન્ય વિસ્તારો કે ગિફ્ટ સિટીની બહાર લઈ જઈ શકશે નહીં. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

વધારાની નહીં લેવી પડે મંજૂરી

સૂત્રોએ જણાવ્યું  કે, અગાઉ, કર્મચારીઓએ કંપનીના HR પાસેથી સત્તાધિકાર અથવા મંજૂરી લેવી પડતી હતી, જેની હવે જરૂર નથી. હવે કર્મચારી પોતે જ પરમિટ મેળવી શકે છે અને કોઈપણ વધારાની મંજૂરી વગર 25 મહેમાનોની યજમાની કરી શકે છે. સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, વધુમાં, જો કોઈ કર્મચારી તેની પરમિટ જમા કરાવ્યા વિના ગિફ્ટ સિટી છોડી દેશે, તો તેના માટે કંપનીને હવે જવાબદાર ગણવામાં આવશે નહીં.

હવે હળવા કરાયેલા નિયમો મુજબ, જે આઉટલેટ પાસે FL-III લાઇસન્સ હશે. તેઓ હોટલ અને રેસ્ટોરન્ટના સમગ્ર પરિસરમાં દારૂ પીરસી શકશે. જેમાં લોન, પુલસાઇડ એરિયા, ટેરેસ અને હોટલના ખાનગી રૂમનો પણ સમાવેશ થાય છે. અગાઉ, વિશેષ પરમિટ ધરાવતા કર્મચારીઓ માટે માત્ર નિયત કરેલા 'વાઇન એન્ડ ડાઇન' ઝોનમાં જ આ મંજૂરી આપવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જાહેરનામું ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય નાણાકીય અને બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તરીકેની ભૂમિકાને ટેકો આપવા માટેનું એક વ્યવહારુ પગલું છે. આ ફેરફાર સ્પષ્ટ રીતે નિર્ધારિત અને નિયંત્રિત માળખામાં રહીને વૈશ્વિક સંસ્થાઓ અને વ્યાવસાયિકોની કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ તરીકેની તેની જવાબદારી સાથે સુસંગત રહીને, તમામ જોગવાઈઓનું નિયંત્રિત અને જવાબદારીપૂર્વક પાલન થાય તે સુનિશ્ચિત કરીને ગિફ્ટ સિટીની વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકેની સ્પર્ધાત્મકતા વધારવાનો છે.