Mon Dec 22 2025

Logo

White Logo

ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં : રૂ. 70નો ઝડપી ઉછાળો

4 days ago
Author: Ramesh Gohil
Video

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગુજરાતનાં મથકો પર આજે મુખ્યત્વે સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોના સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 70નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 60ની તેજી આવી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ સિંગતેલમાં 10 કિલોદીઠ રૂ. 70નો ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 13 રિંગિટનો સુધારો આવ્યો હતો અને ગઈકાલે શિકાગો ખાતે પણ સોયાતેલના વાયદામાં 16 સેન્ટનો સુધારો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે આયાતી તેલમાં સન રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા, જ્યારે આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે છૂટાછવાયા કામકાજ રહ્યાના અહેવાલ હતા. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1230, સોયા રિફાઈન્ડના રૂ. 1250 અને સન રિફાઈન્ડના રૂ. 1520, ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1230થી 1235, ગોકુલ એગ્રોના સોયા રિફાઈન્ડના રૂ. 1280 અને પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1247થી 1250 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા તેમ જ છૂટાછવાયા વેપારો પણ ગોઠવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

ગુજરાતમાં આજે ગોંડલ મથકે મગફળીની 30,000 ગૂણીની અને ગઈકાલની શેષ 55,000 ગૂણી મળી કુલ 85,000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1410માં ટકેલા ધોરણે થયા હતા, જ્યારે રાજકોટ મથકે મગફળીની નવી કોઈ આવક નહોતી, પરંતુ ગઈકાલની શેષ 55,000 ગૂણીના વેપાર મણદીઠ રૂ. 1200થી 1350માં થયાના અહેવાલ હતા. તેમ જ આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાબીનની બે લાખ ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 4350થી 4600માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 4600થી 4675માં થયાના અહેવાલ હતા. 
હાજરમાં આજે વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1245, સોયા રિફાઈન્ડના રૂ. 1275, સન રિફાઈન્ડના રૂ. 1485, સિંગતેલના રૂ. 1580, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1280 અને સરસવના રૂ. 1510ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2460માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1550માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.