નવી દિલ્હી : લોકસભામાં આજે સતત બીજા દિવસે SIR સહિત ચૂંટણી સુધારા પર ચર્ચા કરવામાં આવી રહી છે.જોકે, આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભાજપ પર કરેલા આક્ષેપો બાદ ભાજપના પ્રહારથી ઘેરાયા હતા. જેમાં ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યું કે યુપીએ શાસન કાળમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુકિત સીધા વડાપ્રધાન કરતાં હતા.
સોનિયા ગાંધીએ નવીન ચાવલાને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાહુલ ગાંધીએ મંગળવારે પૂછ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુકિત કરનારી કમિટીમાંથી સીજેઆઈને કેમ દૂર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપે સવાલ પૂછ્યો હતો કે યુપીએ શાસનકાળમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુકિત સીજેઆઈ અને વિપક્ષના નેતા વાળી કમિટી દ્વારા ક્યારે કરવામાં આવી હતી. યુપીએ શાસનમાં વડાપ્રધાન ચૂંટણી કમિશનરની નિયુકિત કરતાં હતા. તેમજ રાહુલ ગાંધી યુપીએ શાસનને કેમ ભૂલી ગયા છે. તેમજ વર્ષ 2005માં સોનિયા ગાંધીએ નવીન ચાવલાની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુકિત કર્યા હતા. તે સમયે સોનિયા ગાંધી પાસે શું અધિકાર હતા.
ચૂંટણી પંચ પર એક સંસ્થાનો કબજો : રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે, મંગળવારે ચૂંટણી સુધારા પર ચર્ચામાં ભાગ લેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની સ્વાયત્તતા પર સવાલ ઉઠાવ્યા હતા. લોકસભામાં સત્તા પક્ષના હંગામા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે મે કશું ખોટું નથી કહ્યું, શિક્ષણ સંસ્થાઓ પર કબજો કરવામાં આવ્યો છે. સીબીઆઈ, ઈડી પર એક જ સંસ્થાએ કબજો કર્યો છે. ત્રીજી સંસ્થા ચૂંટણી પંચ પર એક સંસ્થાનો કબજો છે. જે દેશની ચૂંટણીઓને નિયંત્રિત કરે છે. મારી જોડે આના પુરાવા છે. ભાજપ લોકતંત્રને સમાપ્ત કરવા ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે. સીજેઆઈને પણ સીઈસીની નિયુક્તિ પ્રક્રિયામાંથી દુર કરવામાં આવ્યા છે.
ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફક્ત ચૂંટણી સુધારા પર જ બોલવા કહ્યું
આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ફક્ત ચૂંટણી સુધારા પર જ બોલવા કહ્યું અને કોઈ પણ સંગઠનનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રાહુલના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે અમે બધા અહીં વિપક્ષના નેતાને સાંભળવા આવ્યા છીએ. જો તેઓ આ વિષય પર બોલવા નથી માંગતા તો તેઓ શા માટે બધાનો સમય બગાડી રહ્યા છે.