Sat Dec 13 2025

Logo

White Logo

ઈચ્છા કરતાં ઈચ્છા પૂરી કરવાની : યાત્રા વધુ સુખદ હોય છે

2 days ago
Author: Deval Shashtri
Video

ઔર યે મૌસમ હંસીં… (દેવલ શાસ્ત્રી)

અવિરત ઈચ્છાઓના જંગલમાં આપણે બધા એક ટ્રેડમિલ પર દોડી રહ્યા છીએ. આ ટ્રેડમિલ પરની દોડનો કોઈ અંત નથી અને પ્રારંભ પણ હોતો નથી. આપણે ત્યાં જ હોઈએ છીએ અને ટ્રેડમિલ ભાગતું રહે છે. ‘યે જવાની હૈ દીવાની’માં દીપિકા પદુકોણ કહે છે: ‘વક્ત રૂકતા નહીં, બીત જાતા હૈ ઔર હમ ખર્ચ હો જાતે હે.’ 

ઇચ્છાઓની પાછળ માણસની દોડ કેવી હોય છે: 

નવી ગાડી લીધી તો એ બે વર્ષમાં જૂની લાગે. નવું ઘર લીધું, બાજુમાં મોટો બંગલો બંધાય એટલે આપણું નાનું લાગે. મનોવિજ્ઞાનની ભાષામાં એને હેડોનિક ટ્રેડમિલ કહે છે, તમે દોડો છો પણ એની એ જગ્યાએ જ રહો છો. માનવ મગજમાં ડોપામાઈન નામનું રસાયણ ઈચ્છા પેદા કરે છે. જેવી ઈચ્છા પૂર્ણ થવા લાગે એમ એમ ડોપામાઈન ઘટી જાય છે. ડોપામાઈન ઘટતાં જીવન માં ખુશી ઊડી જાય છે. નવી ખુશીઓ જગાડવા ફરી નવી ઈચ્છા શોધવી પડે છે. આ ચક્ર ક્યારેય બંધ થતું નથી. આપણે બધા હમસ્ટરની જેમ વ્હીલ પર દોડીએ છીએ.

પ્રશ્ન એ છે માણસ ખુશી પાછળ કેમ ભાગતો ફરે છે?    

આ વાત આજકાલની નથી. આ પ્રશ્નના જવાબ ભગવદ્ ગીતાથી માંડીને બુદ્ધ સુધી આપવામાં આવ્યા છે. પશ્ચિમમાં પણ આ પ્રશ્નનો જવાબ શોધવામાં હજારો વર્ષ વીતી ગયા છે. ઈચ્છાના મૂળને સમજવાનું કાર્ય આપણા પૂર્વજોના સમયથી ચાલે છે. વિકાસવાદી વિજ્ઞાન કહે છે કે આપણું મગજ ડોપામાઈનનું ગુલામ છે. એક રસાયણ જે ઈચ્છા પૂરી થવાની અપેક્ષામાં વહે છે. 

કલ્પના કરો, તમે એક પ્રાચીન માનવ છો અને એક મોટું ફળ જુઓ છો. તમારું મગજ કહે છે, આ મળે અને નુકસાન કરે નહીં તો જીવન સેટ થઇ જાય. માનવ એ ફળ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. તે તેને મેળવે છે અને મજાથી આરોગતો રહે છે. થોડા સમયમાં તેની નજરમાં નવું ફળ આવવા લાગશે. હવે તે નવા ફળના પરિણામો શોધવા લાગી જશે.

આજે પણ એ જ પરિસ્થિતિ છે, નવી ગાડીની ઈચ્છા, પ્રમોશનની ઝંખના કે ઇન્સ્ટાગ્રામ પર લાઈક્સની લાલચ માણસ રોકી શકતો નથી. રમૂજી વાત એ છે કે આ દોડ ક્યારેય ખતમ નથી થતી અને જિંદગી ખતમ થવા લાગે ત્યારે તેને અચાનક ભાન થાય છે. આપણે બધા આ ટ્રેડમિલ પર જિંદગીભર દોડીએ છીએ, પરંતુ ક્યાંય પહોંચતા નથી!

આમ તો સાયકોલોજીમાં આ વાતોને ‘પ્લેઝર પ્રિન્સિપલ’ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં આપણું અચેતન મન હંમેશાં આનંદની શોધમાં ભટકતું રહે છે. સમસ્યા એ છે કે ભૌતિક આનંદ ક્ષણિક છે એવું બધા જ જાણે છે છતાં દિલ હૈ કી માનતા નહીં. તમે નવો મોબાઈલ ખરીદો દુનિયાને બતાવો છો, થોડા દિવસમાં વિચારો સતાવવા લાગે છે કે મિત્ર આ જ બ્રાન્ડનું નવું મોડેલ લઈને આવશે તો મજા બગડી જશે. શોર્ટ ટાઈમ માટે મળેલો આનંદ પણ ભોગવી શકાતો નથી. 

સોશ્યલ મીડિયા પર ફ્રેન્ડ્સના વેકેશન ફોટા જોઈને આપણે વિચારીએ છીએ કે મારું જીવન કેમ આટલું બોરિંગ છે? અને ફરી નવી ઈચ્છા જાગે છે કે દૂરના પ્રવાસો કરવા જોઈએ, પરંતુ શું તમે એક વાત નોંધી છે? આ ઈચ્છાઓ પૂરી થાય તો પણ અસંતોષ રહે છે. એનું એક કારણ છે કે ઈચ્છા પોતે જ ખુશીઓની દુશ્મન છે.

પ્રશ્ન એ છે કે તો પછી કોઈ વસ્તુની મહેચ્છા રાખવામાં મજા શેની આવે છે? ખરી મજા રસ્તામાં હોય છે, ડેસ્ટિનેશનમાં નહીં. તમે ટ્રેનમાં કેરાલા જવા નીકળો એટલે રસ્તામાં બોગદા, નદીઓ, પહાડો અને જંગલો જોવાની જે મજા આવે છે એ મજા રિટર્ન યાત્રા વખતે એ જ ટ્રેનનો માર્ગ હોવા છતાં નથી આવતી. લગ્નપ્રસંગમાં જે મજા નથી આવતી એ મજા શોપિંગ, ડેકોરેશન, ડાન્સ પરફોર્મન્સની તૈયારીમાં આવે છે. ઘરમાં પ્રસંગ પહેલાના દિવસો યાદગાર હોય છે. એકવાર પ્રસંગ થઈ જાય એટલે થોડા દિવસમાં રોજનું રૂટિન શરૂ થઈ જાય છે. નવી નોકરીની ઈચ્છા હોય ત્યારે ઇન્ટરવ્યૂની તૈયારી, નવા કપડાં, નવા સપનાં સાથે નવી જગા રોમાંચક લાગે છે. નોકરી મળે એટલે થોડા મહિનામાં ફરી બોર થઈ જઈએ છીએ. 

આખી વાતને ધ્યાનપૂર્વક સમજો, જર્નીમાં જ ખરો આનંદ હોય છે. આપણે આ દરમિયાન એક ભૂલ કરતાં હોય છે, આપણું ધ્યાન ફક્ત ડેસ્ટિનેશન પર રાખીએ છીએ. આ વાતમાં રસ્તાની મજા ચૂકી જઈએ છીએ.

એક ચિત્રકાર પેઇન્ટિંગની પ્રક્રિયામાં એટલો તલ્લીન હોય છે કે ભૂખ-તરસ ભૂલી જાય છે. જેટલો આનંદ ચિત્ર પૂરું કર્યા પછી નથી આવતો એ કરતા વધુ સર્જનની ક્ષણોમાં છે. ‘યે જવાની હૈ દીવાની’માં રણબીર કપૂર પૈસા, ટ્રાવેલ, પાર્ટી પાછળ ભાગે છે. અંતે સમજે છે કે ખરો આનંદ પ્રેયસી અને પરિવાર સાથેની નાનીનાની ખુશીઓમાં હતો જે એ છોડીને ભાગતો હતો.

‘ઝિન્દગી ના મિલેગી દોબારા’ની કથામાં પણ આજ વાત કહી છે, ત્રણ મિત્રો સ્પેનમાં ટ્રીપ પર જાય છે. શરૂઆતમાં બધા પોતપોતાની ચિંતાઓ અને ઈચ્છાઓમાં ડૂબેલા છે. સ્કૂબા ડાઇવિંગ, સ્કાય ડાઇવિંગ, ટોમેટો ફૅસ્ટિવલ સાથે જ્યારે તેઓ વર્તમાનમાં જીવે છે ત્યારે જ ખરો આનંદ મળે છે. આ પ્રવાસ પછી શું? ફરી એનું એ જ રૂટિન લાઈફ. મહાભારતની કથામાં પાંડવોને વનવાસ અને તેમના સંઘર્ષની કથામાં જે આનંદ મળ્યો હતો એ આનંદ યુધિષ્ઠિરને લડાઈ જીત્યા પછી ક્યારેય મળ્યો નથી. 

મહાભારતની લડાઈ પછી પાંડવોને આત્મહત્યા કરવાના વિચારો પણ આવતા હતા. ઈચ્છાપૂર્તિમાં જે ખુશીઓ નથી એ ખુશીઓ ઈચ્છાપ્રાપ્તિ માટે ભાગતીવેળા આવતી હોય છે. આપણા સાયકોલોજીવાળાઓએ સેક્સ જેવા વિષયમાં આફ્ટરપ્લે જેવો શબ્દ આપીને સમજાવ્યું કે મધુર દામ્પત્ય માટે પ્રેમની ચરમસીમા સેક્સના અંત પછી એકબીજા માટે રોમાન્સ કેટલો છે એના આધારે સમજી શકાય. વરવી વાસ્તવિકતા એ છે કે આજના આદમીની જેવી ઈચ્છા પૂરી થાય છે કે સુખ શોધવા મોબાઈલ તરફ વળી જાય છે.

ધ ઍન્ડ:
ઈચ્છા અસ્તિત્વનું સ્ટિયરિંગ છે, 
જે જીવનને જીવંત રાખે છે. (સ્પિનોઝા)