અમદાવાદઃ ગુજરાત એસટીના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજે મધરાતથી જ આ ભાવ વધારો અમલ કરવામાં આવી જશે. આ ભાવ વધારાના કારણે 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડવાનો છે. ગુજરાત એસીટી વિભાગની દૈનિક 8000થી વધુ બસો રોજનું 32 લાખ કિમીનું અંતર કાપે છે, જેમાં દૈનિક હવે 27 લાખ મુસાફરોને આ ભાવ વધારાની અસર થવાની છે. 9 કિમી સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો.
9 કિમી સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો
સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ ભાવ વધારાની વિગતો શેર કરવામાં આવી છે. આજે મધરાતથી જ આ ભાવ વધારો લાગુ થઈ જવાનો છે. પરિપત્ર પ્રમાણે 9 કિમી સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો. જ્યારે 10 કિમીથી 60 કિમીની મુસાફરીમાં નજીવો 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો, રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષકો, ઇન્ટરવ્યૂ આપવા જતા નોકરિયાતો, કેન્સર, થેલેસેમિયા જેવી બિમારીના દર્દીઓ, રમતગમતમાં ભાગ લેતા ખેલાડીઓ અને રોજ મુસાફરી કરતા નોકરિયાતોને સહાયના ધોરણો પ્રમાણે રાહત અને વિના મુલ્યો સુવિધાઓ આપવામાં આવશે.
અન્ય રાજ્યોની સરખાણીએ ગુજરાતમાં બસનું ભાડું ઘણું ઓછું
ભાવ વધારા અંગે નિગમે ખુલાસો કર્યો છે કે, અન્ય રાજ્યોની સરખાણીએ ગુજરાતમાં બસનું ભાડું ઘણું ઓછું છે. લોકલ સર્વિસમાં પ્રતિ કિમીએ ગુજરાત-0.91, મહારાષ્ટ્રમાં 01.68, ઉત્તરપ્રદેશમાં 01.30, મધ્યપ્રદેશમાં 01.25, આંધ્રપ્રદેશમાં 01.02 અને રાજસ્થાનમાં 01.00 જયારે એક્સપ્રેસ સર્વિસમાં પ્રતિ કિ.મી/સીટ દીઠ ગુજરાતમાં 09.97, મહારાષ્ટ્રમાં 01.68, ઉત્તરપ્રદેશમાં 01.64, મધ્યપ્રદેશમાં 01.38, આંધ્રપ્રદેશમાં 01.25 અને રાજસ્થાનમાં 01.11 ભાડું ચાલે છે. એટલું એવું કહી શકાય કે, અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાત એસીટીનું લોકલ તથા એક્સપ્રેસ બસ ભાડુ ઓછું જ છે.
છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તી મળી તે માટે ડિજિટલ પેમેન્ટ શરૂ
આ સાથે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે અને મુસાફરોને ભાડાના છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી મુક્તી મળી રહે તે માટે નિગમ દ્વારા અમદાવાદ, રાજકોટ, જામનગર અને જુનાગઢ વિભાગમાં 3000 સ્માર્ટ ઈટીએમ મશીન ફાળવી બસની અંદર જ ડીજીટલ પેમેન્ટ સ્વીકરવાની શરૂઆત કરવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં અન્ય વિભાગો ખાતે નવિન 7500 સ્માર્ટ ઈટીએમ સંચાલનમાં મુકવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી બજેટમાં નવી 2060 બસો ફાળવવામાં આવશે તેવી પણ જાહેરાત થઈ છે.