અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા પહાડી રાજ્યો માટે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં 24 થી 36 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ક્યાંય પણ હાલ વરસાદની આગાહી આપવામાં આવી નથી.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 16 ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે. આમ છતાં ઉત્તરના પવનને કારણે ઉત્તર ગુજરાત, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી વગેરે ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ રહેશે. લઘુતમ તાપમાન 13થી 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં 16થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે અને જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં 15થી 16 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. રાજકોટમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાશે. કચ્છના ભાગોમાં પણ સવારે ઠંડક રહેશે. દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી રહેશે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ મુજબ, મહારાષ્ટ્રમાં છેલલાા થોડા દિવસોથી ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. ઘણા જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સવારના સમયે ધુમ્મસ અને ઠંડા પવનોથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં આવનારા દિવસોમાં તાપમાનમાં બહુ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ઠંડીમાંથી થોડી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગની મુજબ, વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઠંડીનું જોર ધીમે-ધીમે ઓછું થઈ શકે છે. આ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાનો અંદાજ છે. જોકે, ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડી જળવાઈ રહેશે. આગામી સાત દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ઉતાર-ચઢાવ ન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતના મોટાભાગના શહેરો માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 16 ડિસેમ્બરે તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, પુડુચેરી અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. એવું જાણવા મળ્યું છે કે તમિલનાડુની આસપાસના નીચલા વિસ્તારોમાં ટ્રોપોસ્ફિયર સ્તરે ઉપલા ચક્રવાતી પરિભ્રમણ રચાઈ રહ્યું છે. આ દક્ષિણ રાજ્યોને અસર કરી શકે છે.
રાજસ્થાનના અલવર, શ્રીગંગાનગર, જયપુર અને જેસલમેરમાં આજે ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના મનાલી, કુલ્લુ, મનાલી, લાહૌલ-સ્પિતિ અને કિન્નૌરના ઊંચા શિખરોમાં હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડના મેદાની જિલ્લાઓ, જેમ કે હરિદ્વાર, દેહરાદૂન, ઋષિકેશ, કાશીપુર અને કોટદ્વારમાં લઘુત્તમ તાપમાન 5 થી 6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચવાની ધારણા છે. બિહારના ગયા, બેગુસરાય, દરભંગા, પૂર્ણિયા, કિશનગંજ, સહરસા, ઔરંગાબાદ, રાજગીર અને કિશનગંજ માટે ગાઢ ધુમ્મસ રહેશે. ઉત્તર પ્રદેશના મેરઠ, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, શામલી, બાગપત, મુઝફ્ફર નગર, મુરાદાબાદ, બરેલી, પીલીભીત અને આસપાસના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના કારણે મુશ્કેલીઓ વધવાની ધારણા છે.